Rajkot: કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાને કારણે અટવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. હવે રસ્તો ખૂલતા તમામ યાત્રાળુઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.
મંગળવાર રાત્રિના સમયે કેદારનાથમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક રસ્તાઓ પર ભેખડો ધસી પડી હતી. આ કારણોસર 47 જેટલા શ્રદ્ધાળુઓ હોટલમાં રોકાઈ ગયા હતા અને આગળ વધી શક્યા નહોતા. રસ્તાઓ બંધ થવાથી તેઓને મુશ્કેલી પડી હતી.
આ મામલે રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમે જણાવ્યું હતું કે, તેઓ સ્ટેટ કંટ્રોલ રૂૂમ તેમજ ત્યાંના સ્થાનિક કલેક્ટર અને ઉત્તરાંખડ મુખ્યમંત્રી કાર્યાલયના સતત સંપર્કમાં હતા. તેમણે સ્પષ્ટતા કરી કે યાત્રાળુઓ ફસાયા નહોતા, પરંતુ વરસાદના કારણે રસ્તો બંધ થવાથી તેમને આગળ વધવામાં વિલંબ થયો હતો.
રાજકોટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જણાવ્યુ હતુ કે , તમામ યાત્રાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા માટે રવાના થયા હતા અને હાલ તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે.