Rajkot: રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય આયોજનમાં પ્રોટોકોલ, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે 400થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો ફરજ બજાવશે. રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સરકાર પાસે સૌરાષ્ટ્રભરમાંથી 100 જેટલા વધારાના મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોની માગણી કરવામાં આવી છે.
સૂત્રોએ જણવ્યું કે, કલેક્ટર દ્રારા આગામી બે થી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાંથી અધિકારીઓના સ્પેશિયલ ઓર્ડર છૂટશે. જેમાં મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર કક્ષાના 100 અધિકારીઓને રાજકોટ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના હવાલે મૂકવામાં આવશે. આ અધિકારીઓને સ્ટેજ, પાર્કિંગ, ફૂડ, પાણી અને સુરક્ષા જેવી વિવિધ 20 કમિટીઓમાં જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી 11મી જાન્યુઆરીએ વડાપ્રધાનના રોડ-શોમાં જનમેદની એકઠી કરવા માટે 500 એસટી બસો દોડાવાશે. કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાંથી 500થી વધુ બસોનો દોડાવવામાં આવશે.તંત્ર દ્રારા સરકાર પાસે 500 જેટલી બસોની માંગ કરવામાં આવી છે.
રાજકોટ કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને ડેપ્યુટી કલેક્ટરોને પ્રોટોકોલ અને વ્યવસ્થાના કામે લગાડી દીધા છે. જિલ્લાના તમામ મહેસૂલ ક્લાર્ક અને તલાટીઓના ઓર્ડર કરવા માટે 20 કમિટીના વડાઓને ’છૂટો દોર’ આપી દેવામાં આવ્યો છે.
આગામી પાંચ-છ દિવસમાં જ તમામ સ્ટાફને પોતપોતાની જવાબદારી સોંપી દેવામાં આવશે. વડાપ્રધાનના આગમનને પગલે સુરક્ષા અને પ્રોટોકોલને લઈને તંત્ર કોઈ જ કચાસ રાખવા માંગતું નથી.
