Rajkot: આજે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા ળ્યો હતો. ખાસ કરીને ગોંડલની વાત કરીએ તો, સવારથી અસહ્ય ઉકળાટ અને બફારાને અંતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સૂર્યદેવના આકરા તાપ અને ભેજવાળા વાતાવરણના કારણે બફારાથી લોકો પરસેવે ન્હાઈ રહ્યા હતા. આજે પણ બપોર સુધી અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો હતો.
જો કે બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને થોડીવારમાં જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન ફૂંકાવના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગોંડલવાસીઓએ ગરમીમાંથી મુક્તિનો અનુભવ કર્યો હતો.
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યાં બાળકો વરસાદમાં ન્હાવાની મજા માણતા જોવા મળ્યા હતા. બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ લઈને આવ્યો છે. ભીમ અગિયારસના શુભ મુહૂર્ત પર થયેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવે ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી દેશે. આ પ્રથમ વરસાદને વાવણીલાયક વરસાદ ગણવામાં આવી રહ્યો છે. ખેડૂતોને આશા છે કે, આ વર્ષે પણ સારો પાક થશે અને તેમની મહેનત રંગ લાવશે.
બીજી તરફ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સવા ઈંચ અર્થાત 32 મિ.મી વરસાદ અમરેલી જિલ્લાના કુકાવાવમાં ખાબક્યો છે. આ સિવાય જૂનાગઢના ભેંસાણમાં 8 અને ભાવનગરના ગારિયાધારમાં 5 મિ.મી વરસાદ નોંધાયો છે.
