VIDEO: સુરતમાં દુકાનમાં બેઠેલા કાપડના વેપારી ખુરશી પર જ ઢળી પડ્યા, પાણીની બોટલ હાથમાં લેતા જ હ્રદય થંભી ગયું

ઋષભને ખુરશીમાં જ પાર્કિંગ સુધી અને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Jun 2025 09:58 PM (IST)Updated: Fri, 06 Jun 2025 09:58 PM (IST)
surat-news-cloth-traders-died-due-to-heart-attack-in-shop
HIGHLIGHTS
  • મૃતક 27 વર્ષીય વેપારીની 5 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી

Surat: શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય કાપડના વેપારીનું દુકાનમાં જ હાર્ટ એટેકથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાણીની બોટલ હાથમાં લેવાની સાથે જ વેપારી ઢળી પડે છે. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં બહેન સાથે રહેતો ઋષભ ગાંધી પદ્માવતી ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવી વેપાર કરતો હતો.

ગઈકાલે ઋષભ પોતાની દુકાનમાં બેઠો હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં જોઈ શકાય છે કે, ઋષભ ખુરશી પર બેઠો છે અને પાણીની બોટલ હાથમાં પકડે છે. જો કે પાણીની બોટલનું ઢાંકણું ખોલે તે પહેલા જ ઋષભ ઢળી પડે છે. આ સમયે દુકાનમાં હાજર તેના બનેવી સહિતના મિત્રો મદદ માટે દોડી આવે છે.

જો કે ઋષભનું વજન 100 કિલો જેટલું હોવાથી તેને ઊંચકી શકાય તેમ નહતો. આ સમયે દુકાનમાં રહેલો એક વ્યક્તિ તેની છાતી દબાવીને બચાવવાનો પ્રયાસ પણ કરી જુએ છે. આખરે ખુરશીમાં જ ઋષભને રાખીને પાર્કિંગમાં રહેલી કાર સુધી લઈ જવામાં આવે છે, જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. જો કે ફરજ પરના તબીબ ઋષભને મૃત જાહેર કરે છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઋષભના માતા-પિતા રાજસ્થાનમાં રહે છે. આજથી 5 દિવસ પહેલા જ ઋષભની સગાઈ કરવામાં આવી હતી. હાલ તો ઋષભના અન્ય પરિવારજનો રાજસ્થાન રહેતા હોવાથી તેના મૃતદેહને પણ અંતિમ વિધિ માટે ત્યાં લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાર્ટ એટેકનો બીજો બનાવ સચિન વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંના ગભેણી સ્થિત વાડી ફળિયામાં રહેતા જયેશ ખલાસી બાઈક પર જઈ રહ્યાં હતા, ત્યારે અમીન હોસ્પિટલ નજીક તેમને ચક્કર આવતા તેઓ બાઈક સાઈડમાં ઉભુ રાખીને ત્યાંજ ઢળી પડ્યા હતા. આ સમયે રાહદારીએ જાણ કરતાં પહોંચેલી 108ની ટીમે જયેશ ખલાસીને મૃત જાહેર કર્યાં હતા.