Rajkot Navratri Garba Security: રાજકોટમાં પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા આયોજનો અને ડિસ્કો દાંડિયા સ્થળો પર બહેનો-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ અસામાજિક કે ગેરપ્રવૃત્તિઓ અટકાવવા માટે ‘હિન્દુ સ્વરાજ સેના’ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં નવરાત્રી દરમિયાન યોગ્ય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અગત્યની માંગણીઓ મૂકવામાં આવી છે.
સંસ્થા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નવરાત્રીએ માતાજીની ભક્તિ અને આસ્થાનો પવિત્ર ઉત્સવ છે. જો કે હાલના સમયમાં કેટલાક ગરબા આયોજનોનો ગેરલાભ ઉઠાવીને વિધર્મી યુવકો દ્વારા બહેનો-દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવા તથા ‘લવ જેહાદ’ અને ધર્માંતરણ જેવી ગંભીર પ્રવૃત્તિઓ આચરવાના પ્રયાસો સામે આવી રહ્યા છે. આવા બનાવો રોકવા માટે આગોતરા પગલાં ભરવા ખૂબ જ જરૂરી બની ગયા છે.
આવેદનપત્રમાં મુખ્યત્વે 7 મહત્વની માંગણીઓ પોલીસ તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં
ગરબા સ્થળો અને ડિસ્કો દાંડિયા કાર્યક્રમોમાં પ્રવેશ માટે આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્રની ચકાસણી ફરજિયાત કરવી.
કાર્યક્રમના આયોજકો અને તેમના સિક્યુરિટી સ્ટાફનું યોગ્ય વેરિફિકેશન કરાવવું.
ગરબા સ્થળો પર પૂરતો પોલીસ કાફલો તૈનાત કરવો અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવી
દરેક ગરબા આયોજનના પ્રવેશદ્વાર પર તિલક કરવાની વ્યવસ્થા રાખવા આયોજકોને આદેશ આપવો
યુવતીઓ સાથે છેડછાડ, પીછો કરવો કે ખોટી ઓળખ આપી હેરાનગતિ કરનારાઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં ભરવા.
આ ઉપરાંત ધાર્મિક કાર્યક્રમોમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતા તત્વો પર કડક નજર રાખવી, તેમજ રાજકોટ શહેરના તમામ નાના-મોટા ગરબા આયોજકો સુધી આ સુરક્ષા માર્ગદર્શિકા પહોંચાડવી.
હિન્દુ સ્વરાજ સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, આ રજૂઆતનો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમુદાયને નિશાન બનાવવાનો નથી, પરંતુ પવિત્ર પર્વ દરમિયાન બહેનો-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. રાજકોટ પોલીસ કમિશનર આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી સુરક્ષા આદેશો જારી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
