El Nino Update: આ વર્ષે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચોમાસાની સિસ્ટમ પર 'અલ નીનો'ની ગંભીર અસર જોવા મળી છે. અલ નીનોની ઘાતક અસરના કારણે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
બીજી તરફ કેટલાક દેશના કેટલાક ભાગો તેમજ અમુક દેશોમાં વાવાઝોડા અને અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ જશે, ત્યારે આવતા વર્ષે પણ ચોમાસાને 'અલ નીનો' નડશે કે કેમ? તેને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
હવે 'અલ નીનો' ન્યૂટ્રલ થઈ જશે
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વિવિધ વેધર મોડલોના અનુમાનના આધારે જણાવ્યું કે, આગામી ચોમાસા દરમિયાન 'અલ નીનો' ન્યૂટ્રલ થઈ જશે.
હકીકતમાં જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધીને ગરમ થાય, ત્યારે 'અલ નીનો'ની સ્થિતિ સર્જાય છે. 'અલ નીનો' સક્રિય થવાના કારણે એશિયા ખંડ અને ખાસ કરીને ભારતમાં વરસાદનું પ્રમાણ ઘટે છે. જ્યારે પેરુ, ચિલી, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું પ્રમાણ વધી જાય છે.
'અલ નીનો'થી વિપરિત જ્યારે પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં ઠંડુ થાય, ત્યારે 'લા નીના' બને છે, જે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે સારા ચોમાસાના સંકેત લાવે છે.
સામાન્ય રીતે 'અલ નીનો' બેથી પાંચ કે 7 વર્ષે બનતો હોય છે, પરંતુ જ્યારે 'સુપર અલ નીનો' બને, ત્યારે ભૂતકાળમાં 2 થી 3 વર્ષ સુધી ચોમાસા પર અસર જોવા મળી ચૂકી છે.
શિયાળામાં ઠંડી ગાયબ અને માવઠાની શક્યતા
આગામી વર્ષે એટલે કે 2027ના ચોમાસા પર ભલે 'અલ નીનો'ની અસર ના રહે, પરંતુ આ વર્ષે શિયાળો અને તે પછી આવનારા ઉનાળામાં 'અલ નીનો'ની અસર ચોક્કસ જોવા મળશે.
જેમાં આ વર્ષે શિયાળામાં દર વર્ષની માફક ગાત્રો થીજવતી કડકડતી ઠંડી પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમજ તાપમાન નોર્મલ અથવા નોર્મલ કરતાં થોડું ઓછું રહી શકે છે. આટલું જ નહીં, શિયાળાના ચાર મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ કમોસમી વરસાદ પડવાની પુરેપુરી શક્યતા છે. શિયાળા બાદ આવનારો ઉનાળો આકરો રહેશે, એટલે કે આ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઊંચુ જઈ શકે છે.
'અલ નીનો'ની અસરમાંથી મુક્તિ ક્યારે મળશે
આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં 'અલ નીનો' ઝડપથી નબળો પડવાનું શરૂ થઈ જશે. જેથી ચોમાસું શરૂ થાય, ત્યાં સુધીમાં પેસિફિક મહાસાગરનું તાપમાન સામાન્ય થઈ જશે. જેના પરિણાણે 'અલ નીનો'ની અસરમાંથી મુક્તિ મળી જશે.
આ સાથે જ હવામાન નિષ્ણાંતે સ્પષ્ટ કર્યું છે કે, 'અલ નીનો' ના હોય, તો પણ વર્ષ કેવું રહશે તેનો ચોક્કસ આધાર અન્ય પરિબળો પર પણ રહે છે. જે સમય જતાં સ્પષ્ટ થઈ શકશે.
