રાજકોટ AIIMSમાં ફક્ત 750 રૂપિયામાં મળશે કેન્સરની સંપૂર્ણ સારવાર, 15 સપ્ટેમ્બરે ઓનકોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન

15 સપ્ટેમ્બરે અત્યાધુનિક રેડિયોથેરાપી સાથેના ઓનકોલોજી સેન્ટરનું જે. પી. નડ્ડા દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 12 Sep 2026 04:43 PM (IST)Updated: Sat, 12 Sep 2026 04:43 PM (IST)
rajkot-aiims-cancer-treatment-in-750-rupees-radiotherapy-oncology-centre-opening
Rajkot AIIMS Cancer Treatment

Rajkot AIIMS Cancer Treatment: સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે અદ્યતન રેડિયોથેરાપી (શેક આપવાની) કેન્સર સુવિધા ઓનકોલોજી સેન્ટરનું આગામી 15 સપ્ટેમ્બર, 2026ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા ઉદ્ઘાટન કરશે. હવે માત્ર 750 રૂપિયામાં દર્દીઓ કેન્સરની સંપૂર્ણ સારવાર કરાવી શકશે.

દર્દીઓને મળશે ઓનકોલોજી સેન્ટરનો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા મળેલી રૂ. 39 કરોડની ગ્રાન્ટમાંથી AIIMS રાજકોટના કેન્સર વિભાગમાં આ અદ્યતન મશીનરી અને સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. અત્યાર સુધી સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને કેન્સરના નિદાન અને અદ્યતન શેકની સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે અન્ય મોટા શહેરોમાં જવું પડતું હતું. આ નવી સુવિધા શરૂ થવાથી દર્દીઓને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર મળી રહેશે અને મોટી મુશ્કેલીઓથી મુક્તિ મળશે.

એક છત નીચે કેન્સરની તમામ સારવાર મળશે

AIIMS રાજકોટ ખાતે આ નવી સુવિધાને પહેલાથી જ ઉપલબ્ધ કિમોથેરાપી અને ઓપરેશન (સર્જરી) વિભાગ સાથે જોડી દેવામાં આવશે, જેથી કેન્સરના દર્દીને એક જ છત નીચે સંપૂર્ણ નિદાન અને તમામ સારવાર મળી રહે. દર્દીઓની સેવા ઉપરાંત, આ નવું સેન્ટર સૌરાષ્ટ્રના તબીબી શિક્ષણ અને સંશોધનને પણ નવી ઊંચાઈ આપશે. અહીં યંગ ડોક્ટરો, રેસિડેન્ટ્સ અને મેડિકલ સ્ટાફનેકેન્સરની આધુનિક સારવાર પદ્ધતિનું પ્રાયોગિક જ્ઞાન અને તાલીમ મેળવવાની સુવર્ણ તક મળશે.

આગામી 15 સપ્ટેમ્બરથી શરૂ થનારું આ સેન્ટર સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ અને તેમના પરિવારો માટે વરદાનરૂપ સાબિત થશે. રાજકોટ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

દર્દીઓને ઓછી તકલીફ અને ઝડપી રિકવરી થશે

નવી સ્થાપિત કરવામાં આવેલી રેડિયોથેરાપી સિસ્ટમ ચોકસાઈપૂર્વક કામ કરે છે. આ નવી સુવિધાની મદદથી કેન્સરગ્રસ્ત ગાંઠ કે કોષોને જ નિશાન બનાવીને શેક આપવામાં આવશે, જેથી આસપાસના તંદુરસ્ત અંગો અને પેશીઓને નુકસાન થવાની શક્યતા નહિવત થઈ જશે. સારવાર દરમિયાન દર્દીને થતી આડ અસરોમાં ઘટાડો થશે. મહિલાઓમાં થતા ગર્ભાશયના કેન્સર અને અન્ય જટિલ કેન્સરમાં પણ આધુનિક પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થશે.

ખાનગી હોસ્પિટલો કરતાં દસ ગણી સસ્તી સારવાર

આ સેન્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કેન્સરની અત્યાધુનિક સારવાર ખૂબ જ નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં હજારો અને લાખો રૂૂપિયાનો ખર્ચ થાય છે, તે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર એઈમ્સ રાજકોટ ખાતે માત્ર રૂૂ. 750 ના સબસિડી વાળા દરે પૂરી પાડવામાં આવશે. આ દર દિલ્હી એઈમ્સના સમકક્ષ છે અને ખાનગી હોસ્પિટલોના ખર્ચ કરતાં દસમા ભાગ કરતાં પણ ઓછો છે. આ ઉપરાંત, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને આ આખીય સુવિધા સંપૂર્ણપણે કેશલેસ એટલે કે તદ્દન મફત મળશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરથી કેન્સરની સારવારનો આર્થિક બોજ સંપૂર્ણપણે હળવો થશે.