રાજકોટમાં કલ્પવન એપાર્ટમેન્ટના 12મા માળે આગ, લકવાગ્રસ્ત 73 વર્ષીય વૃદ્ધાનું મોત

પેરાલિસિસથી પીડિત હંસાબેન હલનચલન કરી શકતા ન હોવાથી ફ્લેટમાંથી બહાર નીકળી શક્યા નહોતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 03:42 PM (IST)Updated: Sun, 29 Nov 2026 03:42 PM (IST)
rajkot-kalpvan-apartment-fire-incident-73-year-old-hansaben-jadvani-dies

Rajkot News: રાજકોટના કોરાટ ચોક નજીક સ્થિત કલ્પવન એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ નોંધાયો છે. કલ્પવન એપાર્ટમેન્ટના 12 મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આ બનાવમાં 73 વર્ષીય હંસાબેન જાદવાણીનું દાઝી જવાથી મોત થયું છે. પ્રાથમિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, રાજકોટના કોરાટ ચોક વિસ્તાર નજીક આવેલા કલ્પવન એપાર્ટમેન્ટના 12 મા માળે આવેલા ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ, બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

લકવાગ્રસ્ત 73 વર્ષીય વૃદ્ધાનું દાઝવાથી મોત

જોકે, આગ લાગી તે ફ્લેટમાં પેરાલિસિસથી પીડિત 73 વર્ષીય હંસાબેન નટવરલાલ જાદવાણી રહેતા  હતા. બીમારીના કારણે તેઓ સમયસર ફ્લેટની બહાર નીકળી શક્યા નહોતા. આમ, આગની લપેટમાં આવી જતા સોફા પર સુતેલી હાલતમાં વૃદ્ધાનું દાઝી જવાથી મોત થયું હતું.

પોલીસ ટીમે પંચનામું કરી તપાસ હાથ ધરી

વૃદ્ધાના મોતની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પંચનામું કરી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સહિતની કાયદેસરની તપાસ શરૂ કરી છે.