રાજકોટમાં હેમુ ગઢવી હોલ નજીક ખાવ ગલીમાં ગેસ પાઈપલાઈનમાં ભીષણ આગ, 3 લોકો દાઝ્યા

રાજકોટની ખાવ ગલીમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, જેમાં ત્રણ લોકો સામાન્ય રીતે દાઝી ગયા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાહનો અને વીજ ટ્રાન્સફોર્મર પણ પ્રભાવિત થયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 03:42 PM (IST)Updated: Fri, 23 Oct 2026 03:42 PM (IST)
rajkot-hemu-gadhvi-hall-khau-galli-gas-pipeline-fire-3-people-injures

Rajkot News: રાજકોટ શહેરમાં હેમુ ગઢવી હોલ પાસે આવેલી ખાવ ગલીમાં ગેસની પાઇપલાઇનમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ખોદકામ દરમિયાન ગેસની લાઇન તૂટી જતાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ખાવ ગલી વિસ્તારમાં ખોદકામની કામગીરી દરમિયાન ગેસની પાઇપલાઇનને નુકસાન પહોંચતાં ગેસ લીકેજ થયું હતું અને ત્યારબાદ આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં આસપાસમાં રહેલાં વાહનો પણ આવી ગયાં હતાં. જેમાં JCB સહિતનાં વાહનો આગની લપેટમાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત, આગની અસર નજીકમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર (TC) સુધી પણ પહોંચી હતી.

આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ દાઝી જતાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, ઇજાગ્રસ્તોની સ્થિતિ અને ઘટનામાં થયેલા નુકસાન અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

બનાવ બનતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગેસની પાઇપલાઇનમાં આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.