Rajkot Janmashtami Lok Mela: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પરંપરાગત અને બહુપ્રતિક્ષિત 'વિરાસતથી વિકાસ' લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે આજે એક અત્યંત પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકને કારણે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીનો રાજકોટ પ્રવાસ રદ થતાં, સ્થાનિક તંત્ર દ્વારા વીઆઈપી કલ્ચરની જગ્યાએ ખરા અર્થમાં શહેરની સેવા કરતા શ્રમયોગીનું સન્માન કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 7 વર્ષથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા મહિલા સફાઈ કામદાર ગલાલબેન રતિલાલ મકવાણાના શુભ હસ્તે લોકમેળાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સામાન્ય મહિલા કર્મચારી પાસે આટલા મોટા પ્રાંતિય ઉત્સવનું લોકાર્પણ કરાવીને રાજકોટ તંત્રએ સમાજમાં નારી શક્તિ, શ્રમ અને સમાનતાનો એક અનોખો તથા સરાહનીય સંદેશ આપ્યો છે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, રાજકોટનો લોકમેળો એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ, પરંપરાનું ગૌરવ તેમજ એકતા તથા ભાઈચારાનો ઉત્સવ છે. અહીંની લોકકળા, લોકસંગીત, રાસ-ગરબા, હસ્તકળા અને પરંપરાગત રમતોમાં આપણી માટીની સુગંધ વણાયેલી છે, જ્યાં જૂની પરંપરાઓ અને નવી પેઢીનો સુંદર સંગમ જોવા મળે છે.
તેમણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનસંદેશનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, કૃષ્ણનું સમગ્ર જીવન ધર્મ, સત્ય, કર્તવ્ય અને કર્મયોગનો સંદેશ આપે છે. મુશ્કેલી ગમે તેટલી મોટી હોય પરંતુ કર્તવ્યના માર્ગ પરથી ક્યારેય ડગવું જોઈએ નહીં. તેમણે રાજકોટને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી.
આ તકે ધારાસભ્યએ લોકમેળાના આયોજન બદલ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, સફાઈ કર્મચારીઓ, સ્વયંસેવકો અને આયોજકોની મહેનતને બિરદાવી હતી. તેમણે લોકમેળાને સ્થાનિક વેપારીઓ અને કારીગરો માટે રોજગારીનું મહત્ત્વનું સાધન ગણાવી 'વોકલ ફોર લોકલ’ની ભાવનાને મજબૂત બનાવવા સાથેસાથે સ્વચ્છતા જાળવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને બાળકો તથા વડીલોનું ખાસ ધ્યાન રાખવા મેળાના મુલાકાતીઓને અપીલ કરી હતી.
લોકમેળાના ઉદઘાટન પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોનું સ્વાગત કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનથી મેળાનું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના સફાઈકર્મી બહેન દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળામાં લોકોની સુખાકારી તેમજ સલામતી માટે પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ભીડ વ્યવસ્થા તથા સર્વેલન્સ માટે રિયલ ટાઈમ એ.આઈ. બેઝ્ડ ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોન સહિતની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળાની મુલાકાતે આવતા નાગરિકોની સલામતી અંગે લેવાયેલા પગલાં વિશે વિગતવાર માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, મેળામાં આ વર્ષે ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર, બે નવા ડિઝાસ્ટર રૂટ, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 150 ફાયર જવાનો તૈનાત રહેશે અને રૂ. 10 કરોડનો લાયેબિલિટી ઈન્સ્યોરન્સ પણ લેવાયો છે.
સ્વચ્છતા જાળવવા 290 સફાઈ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક કામ કરશે તેમજ મેળો પૂર્ણ થયા બાદ પણ તા. 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાન 120 કર્મચારીઓ સમગ્ર ગ્રાઉન્ડની સઘન સફાઈ કરશે. આ સાથે જ કલેક્ટરએ મેળાની મુલાકાતે આવતા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને ડિઝાસ્ટર રૂટ પર સાવધાની રાખવા અનુરોધ કર્યો હતો. આ તકે કલેક્ટર વર્ષ 1983થી વર્ષ 2026 સુધીની રાજકોટના લોકમેળાની યાત્રા વર્ણવી હતી.
