Rajasthan Politics: રાજસ્થાનના બીકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના શહેર જિલ્લા અધ્યક્ષ મદન ગોપાલ મેઘવાલને કેટલાક લોકોએ ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં 'ટિકિટ ચોર..ટિકિટ ચોર'ના સુત્રોચાર સાથે મદન ગોપાલ મેઘવાલને ટપલાદાવ કરવામાં આવ્યો હતો.
સ્વાગત કરવા માટે બહાર મદન મેઘવાલને બહાર બોલાવીને ઝૂડી નાંખ્યા
હકીકતમાં બીકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોને ટિકિટ આપવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસના કેટલાક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એવામાં ગત બુધવારે મદન કુમાર મેઘવાલ વોર્ડ નંબર 50ના કોંગ્રેસ ઉમેદવાર નવરતન ડાગાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા.
આ સમયે મોહિત અરોરા નામના કોંગ્રેસ કાર્યકર્તાએ મદન ગોપાલ મેઘવાલને તેમનું સ્વાગત કરવાના બહાને બહાર બોલાવ્યા હતા. જ્યાં થોડા સમય સુધી બન્ને વચ્ચે ગુફ્તગુ થઈ હતી. આ દરમિયાન બહાર એકઠા થયેલા કેટલાક લોકો મદન ગોપાલ મેઘવાલ પર તૂટી પડ્યા હતા. જેમણે ટિકિટ ચોર..ટિકિટ ચોરના સુત્રોચાર સાથે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષને ટપલા દાવ કર્યો હતો. આ સમયે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ મદન ગોપાલ મેઘવાલને માંડ-માંડ છોડાવ્યા હતા.
એવું કહેવાય છે કે, મોહિત અરોરાએ વોર્ડ 50માંથી ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા નવરતન ડાગાને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે નારાજ મોહિત અરોરા અને તેના સમર્થકો મદન ગોપાલ મેઘવાલને ફટકારીને ભાગી છૂટ્યા હતા.
અશોક ગહલોતે ઘટનાને વખોડી, આરોપીઓની ધરપકડની માંગ
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે સમગ્ર ઘટનાને વખોડતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, બીકાનેર જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મદન ગોપાલ મેઘવાસ સાથે કરવામાં આવેલ મારઝૂડ દુઃખદ છે. આ પ્રકારની હરકત ક્યારેય ચલાવી નહીં લેવાય. જે લોકોએ મેઘવાલ સાથે મારઝૂડ કરી છે, તે કોંગ્રેસના ના હોઈ શકે, કારણ કે આવી શરમજનક હરકત કોંગ્રેસની સંસ્કૃતિ અને વિચારધારાની વિરુદ્ધ છે. હવે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
