Rajkot: 'હવે કોઈ સમય નહીં, જંગલેશ્વરમાં દબાણ હટીને રહેશે', કલેક્ટરની સાફ વાતથી રોષે ભરાયેલા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા

રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે જંગલેશ્વર વિસ્તારની 8 સોસાયટીઓને ડિમોલિશનની અંતિમ નોટિસ ફટકારતા હજારો લોકોના જીવ તાળવે ચોંટ્યા. લોકોના ટોળા ઉમટતા પોલીસ કાફલો દોડતો થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 Jan 2026 07:05 PM (IST)Updated: Thu, 29 Jan 2026 07:05 PM (IST)
rajkot-jangleshwar-demolition-notice-sparks-massive-uproar-over-government-land-encroachment
HIGHLIGHTS
  • 'અમને ગોળી મારી દો પણ બેઘર ન કરો'- 70 વર્ષની વૃદ્ધાનો વલોપાત
  • આર્મી ઉતારો અને અમને મારી નાંખશો તો પણ અમે ઘર ખાલી નહીં કરીએ

Rajkot: રાજકોટના જંગલેશ્વરમાં સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકત ધારકોને ડિમોલિશનની આખરી નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે. અહીં રહેતા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે.

જોકે આજે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી છે, કારણકે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જેથી હવે ડિમોલિશન થશે તે નક્કી છે. આ સાથે જ હવે રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચરની જમીન પરના દબાણની રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં નોંધ રહેશે અને તે મૂજબ સરકારી જગ્યાઓ ખાલી કરાવવામાં આવશે. આ દરમિયાનમાં જંગલેશ્વરમાં ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો દોડી ગયો છે. આ મુદ્દે હવે ગરમાવો વધી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નં. 16માં આવેલા જંગલેશ્વર વિસ્તારની 8 જેટલી સોસાયટીઓને ડિમોલિશનની ’અંતિમ નોટિસ’ ફટકારવામાં આવતા હજારો લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

છેલ્લા 40થી 70 વર્ષથી વસવાટ કરતા અંદાજે 2000 જેટલા પરિવારો પર અચાનક આવી પડેલી આફતને કારણે વાતાવરણ તંગ બન્યું છે. સ્થાનિક રહીશોએ હવે "મારું ઘર એ જ મારી દુનિયા"ની લાગણી સાથે તંત્ર સામે બાથ ભીડી છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જંગલેશ્વરમાં છેલ્લા 40 વર્ષથી રહેતા પ્રભાબેન પરમારે ભારે રોષ સાથે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, સરકાર ’બેટી બચાવો’ના નારા લગાવે છે, પણ આજે મારી ઘરે 6-6 દીકરીઓ ભણે છે, તેમને લઈને હું ક્યાં જાઉં? અમને પહેલા કશું કહ્યું નહીં અને હવે અચાનક નોટિસ આપીને અમને અંધારામાં રાખ્યા છે. આ તો અમને કૂવામાં ઉતારીને વરત વાઢ્યા જેવો ઘાટ થયો છે.

naidunia_image

પ્રભાબેને ચીમકી આપી હતી કે જો સરકાર આશરો નહીં આપે તો તેઓ મરવા માટે પણ તૈયાર છે, કારણ કે આ મોંઘવારીમાં અમને બીજે ક્યાંય મકાન મળે તેમ નથી.

'ભગતસિંહ બનીને સરકારને જગાડવી પડશે'
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સ્થાનિક યુવક રાહુલભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, મારા પિતા અહીં 70 વર્ષથી રહે છે. હું પોલીસની ભરતીની તૈયારી કરું છું, ગ્રાઉન્ડ માથે છે ત્યારે હું દોડવાની પ્રેક્ટિસ કરું કે ઘર બચાવું?

મારા ઘરે એક સગર્ભા મહિલા છે, જેને ડોક્ટરે ડિલિવરીની તારીખ આપી છે અને પિતા પેરાલીસીસ છે. જો ભગતસિંહની જેમ અમારે ક્રાંતિ કરવી પડશે તો અમે તૈયાર છીએ. જેમ તેમણે બહેરી સરકારને જગાડવા બોમ્બ ફેંક્યા હતા, તેમ અમારે પણ કઈક કરવું પડશે. એસઆરપી કે આર્મી ઉતારીને ભલે અમને મારી નાખો, પણ અમે મકાન ખાલી નહીં કરીએ.

naidunia_image

નદીના નામ અને નકશા સામે સવાલ સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ટેકનિકલ મુદ્દો પણ ઉઠાવ્યો છે. રાહુલભાઈના દાવા મુજબ, તંત્ર જેને ’આજી રિવરફ્રન્ટ’ કહી રહ્યું છે, તે વાસ્તવમાં ખોખડદળ નદીનો વિસ્તાર છે. તેમણે ચેતવણી આપી હતી કે તંત્ર ખોટા નકશા બતાવીને ગરીબોના મકાન તોડવાનું બંધ કરે અને સ્થળ પર આવીને ખરાઈ કરે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જેટલી પણ જમીન છે તે ખાલી કરાવવા માટે વહીવટી તંત્ર કાર્યવાહી કરતું હોય છે. રાજકોટના જંગલેશ્વરમાં દબાણકર્તાઓને લીગલી સાંભળવામાં આવેલા છે. દરેક દબાણકર્તાઓને ત્રણ વખત સાંભળવામાં આવેલા છે અને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. તમામ પુરાવાઓનું એક્ઝામિનેશન કર્યા બાદ ડિમોલિશન માટે 202ની નોટિસ આપવામાં આવી છે.

naidunia_image

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા માટે નોટિસો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં કઈ ગૌચરની અને સરકારી ખરાબાની જગ્યા પર દબાણ છે તે ઓટોમેટીક આઇડેન્ટીફાઈ થશે અને ત્યારબાદ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવશે.