Rajkot: શહેરના રૈયાગામે રહેતા વૃદ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપિયા હું આપીશ તેમ કહેતા પુત્ર અને પુત્રવધુએ હુમલો કરી બેરહેમીથી ફટકારતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
રૈયા ગામે સંકલ્પ સિદ્ધ હાઇટેક નામના એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિકમભાઇ દેવશીભાઇ સવનીયા (75)નામના વૃદ્ધ આજે સવારે પોતાના ઘરે હતા. આ સમયે તેમના પુત્ર અભય અને પુત્રવધુ ભારતીએ લાકડાના પાટીયા વડે હુમલો કરી ઢોરમાર મારતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં વૃદ્ધ ત્રિકમભાઇને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટા પુત્ર જસ્મીનનું અગાઉ ક્રિકેટ રમતા જતી વખતે અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ અને હાલમાં તેઓ નાના પુત્ર અભય સાથે રહેતા હતા.
ત્રિકમભાઇએ આંખે દેખાતુ ન હોવાથી પુત્રને કહેલુ કે, ‘મને આંખની હોસ્પિટલે બતાવવા લઇ જા હું રૂપિયા આપીશ’ તેમ કહેતા પુત્ર અને પુત્રવધુએ હુમલો કરી માર માર્યો હતો.
