Rajkot: ત્રિકોણબાગ પાસે હોટેલમાં 'મજા' કરવા ગયેલા યુવક પર હુમલો, સમાધાન માટે બોલાવી 7થી વધુ શખ્સોએ ઢીબી નાખ્યો

રાજકોટની રૈયા ચોકડી નજીક રહેતા એક યુવક પર ત્રિકોણબાગ સ્થિત હોટલમાં પીધેલા મેનેજર સાથે માથાકૂટ બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને સમાધાન માટે યુનિવર્સિટી રોડ પર બોલાવીને 7થી વધુ શખ્સોએ લાકડી-ધોકા વડે તૂટી પડ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Oct 2026 08:35 PM (IST)Updated: Sat, 10 Oct 2026 08:35 PM (IST)
rajkot-hotel-attack-youth-beaten-up-by-hotel-staff-after-dispute-over-drunk-manager

Rajkot News: શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો યુવાન મહેમાનને લઇ મોજ કરાવવા માટે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ખાતે ગયો હતો. આ દરમિયાન હોટલ મેનેજરે દારૂના નશામાં ઝઘડો કર્યો હતો. જે બાદ હોટલ સંચાલકે ફોન કરી યુવકને સમાધાન માટે યુનિવર્સિટી રોડ પર બોલાવ્યો હતો, જ્યાં સાત થી આઠ શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો આશિષ દિનેશભાઇ મારડીયા (34) રાતે દસેક વાગ્યાના અરસામા ત્રિકોણબાગ પાસે આવેલી ફલોરાઇન હોટલ પાસે હતો, ત્યારે દિપક રબારી અને સિદ્ધરાજ ડોડિયા સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. જે બાદ આશિષને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આશિષ મારડીયાના ઘરે મહેમાન આવ્યા હતા. જેમને અયાશી કરાવવા માટે આશિષ પોતાના મિત્ર અને કોર્પોરેટરના ભત્રીજા અકરમ દાઉદાણી સાથે મહેમાનને લઇ ત્રિકોણબાગ ખાતે આવેલી હોટલ ફલોરાઇનમાં ગયો હતો, ત્યારે મેનેજર દારૂના નશામાં પોતાના સ્ટાફ સાથે ઝઘડો કરતો હતો.

આ દરમિયાન ઉશ્કેરાયેલા મેનેજરે આશિષ મોરડીયા અને અકરમ દાઉદાણી સાથે ઝઘડો કર્યો હતો અને મેનેજરે અકરમ દાઉદાણીનો કાઠલો પકડી લીધો હતો. જે અંગે હોટલ સંચાલક દિપક રબારી સાથે પાલ રોડ પર પાટર્નરમાં રાસોત્સવનું આયોજન કરતા મામાના દીકરાને ખબર પડતા તેમણે આશિષ મારડીયાને ફોન કરી જતું કરી દેવાનુ કહ્યુ હતુ઼.

જેને પગલે આશિષ મારડીયા મિત્ર અને મહેમાન સાથે ત્યાથી નીકળી ગયો હતો. બાદમાં યુનિવર્સિટી રોડ પર આવેલા દ્વારકાધીશ હોટલ પાસે બેઠો હતો, ત્યારે હોટલ ફલોરાઇનના સંચાલક દીપક રબારીએ આશિષ મારડીયાને ફોન કરી સમાધાન કરવાનું કહ્યુ હતું અને દીપક રબારી સહિત સાતથી આઠ લોકો યુનિવર્સિટી રોડ ખાતે દ્વારકાધીશ હોટલ પાસે પહોંચ્યા હતા. જ્યાં આશિષ મારડીયા વાતચીત કરે તે પૂર્વે જ દીપક રબારી સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.