Navratri 2026: રાજકોટના પ્રસિદ્ધ 'ગોપી રાસોત્સવ'માં સિંગર નિલેશ પંડ્યા સતત 15મા વર્ષે ગરબાની રમઝટ બોલાવશે; જાણી લો સંપૂર્ણ શેડ્યુલ

રાજકોટનો આ ગોપી રાસોત્સવ પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. આ રાસોત્સવ માત્ર અને માત્ર બહેનો (મહિલાઓ) માટે આયોજિત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ દરરોજ અંદાજે 2500 જેટલી બહેનો પરંપરાગત ચણિયાચોળી અને સુશોભિત પરિધાનમાં માતાજીની આરાધના કરતા ગરબે ઘૂમશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 10 Oct 2026 09:53 AM (IST)Updated: Sat, 10 Oct 2026 09:53 AM (IST)
singer-nilesh-pandya-navratri-2026-schedule-gopi-rasotsav-rajkot
નિલેશ પંડ્યા નવરાત્રી 2026 શેડ્યૂલ (AI Photo)

Nilesh Pandya Navratri 2026 Schedule: રંગીલા રાજકોટમાં નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાના આરે છે ત્યારે ગુજરાતી સંગીત જગતના જાણીતા ગાયક નિલેશ પંડ્યાએ પોતાના નવરાત્રી શેડ્યુલ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેઓ આ વર્ષે પણ રાજકોટના સુપ્રસિદ્ધ સરગમ ક્લબ દ્વારા આયોજિત 'ગોપી રાસોત્સવ'માં પોતાના સુર રેલાવશે. કોરોના કાળના સમયગાળાને બાદ કરતાં, આ સરગમ ક્લબ સાથે સિંગર નિલેશ પંડ્યાનું સળંગ 15મું વર્ષ છે, જે તેમની લોકપ્રિયતા અને પરંપરાગત ગરબા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

માત્ર બહેનો માટેનો વિશિષ્ટ રાસોત્સવ

રાજકોટનો આ ગોપી રાસોત્સવ પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. આ રાસોત્સવ માત્ર અને માત્ર બહેનો (મહિલાઓ) માટે આયોજિત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ દરરોજ અંદાજે 2500 જેટલી બહેનો પરંપરાગત ચણિયાચોળી અને સુશોભિત પરિધાનમાં માતાજીની આરાધના કરતા ગરબે ઘૂમશે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓ એકસાથે એક જ મંચ પર પરંપરાગત શૈલીમાં ગરબા રમે તે સમગ્ર ગુજરાતમાં એક અનોખો દ્રશ્ય રચાય છે.

મૂળ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનું જતન

આજના આધુનિક યુગમાં જ્યાં નવરાત્રીમાં બોલિવૂડ અને આલ્બમના ગીતોનું ચલણ વધ્યું છે, ત્યાં સરગમ ક્લબનો ગોપી રાસોત્સવ પોતાની મૂળ ભારતીય અને ગુજરાતી પરંપરાને જીવંત રાખવા માટે જાણીતો છે. નિલેશ પંડ્યાએ સ્પષ્ટ કર્યું કે, આ રાસોત્સવમાં ફિલ્મગીતો કે પશ્ચિમી આલ્બમનાં ગીતો ગાવાની સખત મનાઈ હોય છે. અહીં માત્ર અને માત્ર માતાજીના પ્રાચીન તથા અર્વાચીન ગરબા, લોકગીતો અને પરંપરાગત ગુજરાતી ગીતો જ ગવાય છે. આ નિયમના કારણે પ્રાચીન સંસ્કૃતિ અને મા અંબાની આરાધનાનો મૂળ ભાવ જળવાઈ રહે છે.

11 થી 19 ઓક્ટોબર દરમિયાન ભવ્ય આયોજન

આ સમગ્ર ભવ્ય આયોજન સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી 2026 નિમિત્તે આ ગોપી રાસોત્સવ તારીખ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે. આ તમામ દિવસો દરમિયાન સિંગર નિલેશ પંડ્યા પોતાના મધુર અવાજ અને પરંપરાગત ગરબાના સૂરથી રાજકોટના ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે.