રાજકોટ: હિરાસર એરપોર્ટની હવામાં ઝેરી ગેસ ફેલાયો, સ્ટાફ અને મુસાફરો સહિત 400થી વધુ લોકોને અસર

બામણબોર ઔદ્યોગિક ઝોનની કોઈ એક ફેક્ટરીની ચીમનીમાંથી છોડવામાં આવેલા ઝેરી ગેસની અસર એરપોર્ટ સુધી પહોંચી હોવાની આશંકા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Nov 2026 07:12 PM (IST)Updated: Sat, 28 Nov 2026 07:12 PM (IST)
rajkot-hirasar-airport-toxic-gas-leak-incident-bamanbor-chemical-factory-suspicion-gpcb-investigation

Rajkot News: રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની હવામાં ઝેરી ગેસ ફેલાતા સ્ટાફ અને મુસાફરોને અસર પહોંચી હતી. એરપોર્ટ નજીક આવેલા બામણબોર ઔદ્યોગિક ઝોનની કોઈ કેમિકલ ફેક્ટરીની ચીમનીમાંથી ગેસ ફેલાયાની આશંકા છે. એરપોર્ટના ATC ટાવર સુધી ગેસ પહોંચતા કંટ્રોલર, કર્મચારીઓ અને મુસાફરો સહિત 400થી વધુ લોકોને આંખ અને ગળામાં તીવ્ર બળતરા થતા માસ્ક અને રૂમાલ બાંધવાની ફરજ પડી હતી.

કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ ફેલાયો હોવાની આશંકા

રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક બામણબોર ઔદ્યોગિક ઝોન આવેલો છે. અહીં અંદાજે 20 જેટલી કેમિકલ ફેક્ટરી છે. આ પૈકી એક ફેક્ટરીની ચીમનીમાંથી છોડવામાં આવેલા ઝેરી ગેસની અસર એરપોર્ટ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ગેસ અંદાજે 4.50 કિલોમીટરનું અંતર કાપીને એરપોર્ટના ATC ટાવર સુધી પહોંચ્યો હતો. જોકે, કઈ ફેક્ટરીમાંથી આ ઝેરી ધુમાડો કે ગેસ છોડવામાં આવ્યો હતો તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી સામે આવી નથી.

આંખ-ગળામાં બળતરા, 400થી વધુ લોકો પ્રભાવિત

ગેસની અસરને કારણે એરપોર્ટ વિસ્તારમાં દુર્ગંધ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાં મિથેનોલની તીવ્ર ગંધ ફેલાતા ATC ટાવરમાં સ્થિત કંટ્રોલર સહિતના કર્મચારીઓને આંખ અને ગળામાં તીવ્ર બળતરા થવા લાગી હતી. એરપોર્ટ પર હાજર મુસાફરો અને સ્ટાફ સહિત 400થી વધુ લોકો ગેસની અસરનો ભોગ બન્યા હતા.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને તાત્કાલિક મોઢા પર રૂમાલ બાંધવા તેમજ માસ્ક પહેરવાની ફરજ પડી હતી. ગેસની અસરને કારણે એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ અને મુસાફરોમાં ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાતે 9:35 વાગ્યે મુંબઈની ફ્લાઇટે ઉડાન ભરી

ગેસની અસરને કારણે એરપોર્ટ વિસ્તારમાં આશરે 3-4 કલાક સુધી વાતાવરણ પ્રદૂષિત રહ્યું હતું. રાત્રે 9:35 કલાકે મુંબઈની ફ્લાઈટે ઉડાન ભરી ત્યાં સુધી ગેસની અસર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન એરપોર્ટનો સ્ટાફ અને મુસાફરો પ્રભાવિત થયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.

એક મહિના પહેલાં સર્જાઈ હતી આવી જ ઘટના

ઉલ્લેખનીય છે કે, આશરે એક મહિના પહેલાં બામણબોર ઔદ્યોગિક ઝોનમાં આવેલી કોઈ કેમિકલ ફેક્ટરીની ચીમનીમાંથી ઝેરી ધુમાડો છોડવામાં આવતા વાતાવરણ પ્રદુષિત બન્યું હતું. તે સમયે હવામાન દૂષિત થવાને કારણે મુંબઈ અને દિલ્હીથી આવતી એરલાઈન્સ, પ્રાઇવેટ જેટ તેમજ અમરેલી, મહેસાણા અને ભાવનગરની ટ્રેનિંગ સ્કૂલમાંથી આવતા ટ્રેની પાઇલટ્સનાં એરક્રાફ્ટના લેન્ડિંગમાં મોટી સમસ્યા સર્જાઈ હતી.

GPCB તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી

ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં કરવામાં આવતા GPCB અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. આ પ્રકારની ઘટના બીજી વખત બનતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ જીપીસીબીને જાણ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ ગેસ છોડવા માટે જવાબદાર ફેક્ટરીની ઓળખ કરવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી સાથે નોટિસ ફટકારવામાં આવશે.