Rajkot Airport News: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટને ઈમિગ્રેશન એરપોર્ટની કેટેગરી-1 યાદીમાં સામેલ કરી ફોરેન ઈમિગ્રેશન માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના વડોદરા એરપોર્ટને પણ યાદીમાં સામેલ કર્યું છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 9 નવેમ્બર, 2026 ના રોજ ભારતના રાજપત્રમાં અધિસૂચના પ્રસિદ્ધ કરી હતી.
ગેઝેટ નોટીફિકેશનમાં સુધારો, રાજકોટને મળ્યું સ્થાન
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઈમિગ્રેશન અને વિદેશી નાગરિકો વિષયક અધિનિયમ, 2025 ની કલમ-4 ની પેટા કલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અગાઉ જાહેર કરવામાં આવેલી એરપોર્ટની યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. સુધારા અંતર્ગત કેટેગરી-1 ના એરપોર્ટની યાદીમાં ક્રમ નંબર 40 પર રાજકોટ હિરાસર અને ક્રમ નંબર 41 પર વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર અધિસૂચના જાહેર
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીથી 9 નવેમ્બર, 2026 રોજ અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. નોટિફિકેશન પર ગૃહ મંત્રાલયના અધિક અગ્રસચિવ નિતેશ કુમાર વ્યાસની સહી સાથે તેને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. અગાઉ 1 સપ્ટેમ્બર 2025 ના રોજ જાહેર કરાયેલ મૂળ અધિસૂચનામાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા હતા. હવે નવા સુધારા દ્વારા ગુજરાતના 2 એરપોર્ટનો કેટેગરી-1 યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસની તક
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન એરપોર્ટની યાદીમાં સ્થાન મળતા સમગ્ર સૌરાષ્ટ્રના હવાઈ પરિવહન ક્ષેત્રનો વિકાસ થાય તેવી આશા છે. રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય વેપારી, ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર હોવાથી અહીંથી દેશ-વિદેશમાં અવરજવર કરતા ઉદ્યોગકારો, વેપારીઓ, પ્રવાસીઓ અને વિદેશ સાથે વ્યાવસાયિક સંબંધ ધરાવતા લોકો માટે ભવિષ્યમાં હવાઈ સેવાના વિસ્તરણની નવી સંભાવના ઊભી થઈ શકે છે.
રાજકોટથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધવાની આશા
હિરાસર એરપોર્ટને કેટેગરી-1 યાદીમાં સામેલ કરવાથી ભવિષ્યમાં ઈમિગ્રેશન સંબંધિત સુવિધા અને આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણના વિકાસ માટે માર્ગ મોકળો થવાની અપેક્ષા છે. જોકે, આ અધિસૂચના દ્વારા એરપોર્ટનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની તારીખ કે સીધી ફ્લાઈટ સેવા શરૂ થવાની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
