Gondal Crime News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં એક યુવતીના આપઘાતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમી યુવકે દગો દેતા હતાશામાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ દાહોદની વતની અનિષા ઉર્ફે હંસા નામની યુવતી ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં રહેતી હતી. જેને ગામમાં રહેતા રામ નામના યુવક સાથે પ્રેમસબંધ હતો. પ્રેમી રામે પહેલા લગ્નનું વચન આપ્યું હતુ, પરંતુ પાછળથી ફરી ગયો હતો અને અનિષા સાથે સબંધ કાપી નાંખ્યો હતો.
જ્યારે અનિષાએ ફરીથી રામનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે 'આપણે હવે કોઈ સબંધ રાખવો નથી. તારે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મરી જા' કહ્યું હતુ. પ્રેમીની વાતનું માઠું લાગતા અનિષાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
આ મામલે મૃતક યુવતીના પિતાએ દીકરીના પ્રેમી રામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીનો ફોન લઈને તેને સાઢુના ઘરે વતનમાં મોકલી છતાં પ્રેમી સાથે સંપર્કમાં હતી
પોલીસની પૂછપરછમાં મૃતક યુવતીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી અનિષા રાતના સમયે ચોરીછૂપીથી ફોનમાં વાત કરતી હતી. આથી પુછતા દીકરીએ પોતે કોલીથડ ગામના રામ નામના યુવક સાથે વાત કરું છે. અમારે બન્નેને પ્રેમસબંધ છે અને હું તેની સાથે લગ્ન કરવાની છું.
જો કે અમે દીકરીને રામ તારા લાયક યુવક નથી કહીને તેની સાથે વાતો ના કરવા સમજાવી હતી. જે બાદ દીકરીને સાઢુભાઈના ઘરે વતનમાં મોકલી આપી હતી અને તેનો ફોન પણ લઈ લીધો હતો. જો કે અનિષા ગમે તે રીતે નવો મોબાઈલ મેળવીને પ્રેમી રામ સાથે સંપર્કમાં હતી. આ દરમિયાન પ્રેમીએ અપનાવવાનો ઈનકાર કરતાં અનિષાએ ઝેરી દવા પી લીધી હતી.
