Rajkot Pradhan Mantri Awas Yojana: જો તમે પણ રાજકોટમાં રહો છો અને તમારી પાસે પોતાનું પાકુ મકાન નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમે રાજકોટમાં માત્ર 2 લાખ રૂપિયામાં 1BHK મકાન મેળવી શકો છે. જેના માટે તમે આગામી 6 મે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
હકીકતમાં રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કૂલ 1057 જેટલા મકાનો ફાળવવામાં આવશે.
જે લોકો રાજકોટમાં રહે છે અને તેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતા ઓછી હોય, તો તેઓ આવાસ યોજના માટે ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ ભરતી વખતે તમારે 5 હજાર રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહેશે. જો મકાન લાગે, તો તેમાંથી ડિપોઝિટની રકમ બાદ કરવામાં આવશે. જો મકાન ના લાગે, તો ડિપોઝિટની રકમ છે, તે રિફન્ડ કરવામાં આવશે.
EWS આવાસ યોજના માટે કોણ-કોણ અરજી કરી શકે ?
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ. 3 લાખ સુધીની હોવી જોઈએ.
- અરજદાર ભારતીય નાગરિક અને 18 વર્ષથી વધુ વયનો હોવો જોઈએ.
- અરજદાર કે તેના કુટુંબના કોઈપણ સભ્યના નામે સમગ્ર ભારતમાં ક્યાંય પણ પાકું મકાન ન હોવું જોઈએ.
- અરજદારે અગાઉ કોઈ પણ સરકારી આવાસ યોજના (જેમ કે CLSS, BLC વગેરે) નો લાભ લીધેલ ન હોવો જોઈએ.
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
આ આવાસ યોજના હેઠળ લાભાર્થીએ કુલ રૂ. 2.30 લાખ ભરવાના રહેશે, જેમાં ફોર્મ ભરતી વખતે રૂ. 5 હજાર ડિપોઝિટ તરીકે અને આવાસની બાકી રકમ રૂ. 1.95 લાખના કુલ 6 હપ્તામાં (દરેક હપ્તો રૂ. 32,500) ચૂકવવાની રહેશે. આ ઉપરાંત, રૂ. 30,000 મેઇન્ટેનન્સ પેટે અલગથી ભરવાના રહેશે, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનો ખર્ચ અરજદારે પોતે ભોગવવાનો રહેશે.
અનામત અને ડ્રોની પ્રક્રિયા
આવાસોની ફાળવણીમાં SC (7 ટકા), ST (14 ટકા), OBC/SEBC (10 ટકા) તેમજ માજી સૈનિકો (10 ટકા) માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે બાકીના 58 ટકા આવાસો સામાન્ય કેટેગરી માટે રહેશે.
દરેક કેટેગરીમાં દિવ્યાંગો માટે 5 ટકા હોરિઝોન્ટલ અનામતની જોગવાઈ છે. ફાળવણી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા કરવામાં આવશે અને ડ્રોમાં લાગેલ આવાસ સ્વીકારવું બંધનકર્તા રહેશે.
અગત્યના નિયમો અને સાવચેતી
એક કુટુંબ, એક ફોર્મ: કુટુંબમાં માત્ર એક જ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. જો એકથી વધુ ફોર્મ જણાશે તો તમામ રદ થશે અને રકમ જપ્ત કરવામાં આવશે.
વેચાણ પર પ્રતિબંધ: દસ્તાવેજ થયાના 7 વર્ષ સુધી આવાસ વેચી શકાશે નહીં કે ભાડે આપી શકાશે નહીં.
ખોટી માહિતી: જો કોઈ અરજદાર ખોટી માહિતી આપશે અથવા સાચી હકીકત છુપાવશે, તો ગમે તે તબક્કે તેનું આવાસ રદ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
