રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20 વધારો, 1 ડિસેમ્બરથી નવો ભાવ લાગુ થશે

રાજકોટ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવ વધારાની વ્યવસ્થા મુજબ દૂધ સંઘ તમામ દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે ₹890 ચૂકવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Nov 2026 09:53 PM (IST)Updated: Sat, 28 Nov 2026 09:53 PM (IST)
rajkot-dairy-milk-procurement-price-hike-by-20-rupees-from-1-december-2026
AI Generated Image

Rajkot Dairy Milk Procurement Price Hike: રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (Rajkot Dairy) દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20 વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ડિસેમ્બર, 2026 થી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે ₹890 ચૂકવવામાં આવશે, જ્યારે દૂધ મંડળીઓ પોતાના દૂધ ઉત્પાદકોને ₹885 ચૂકવશે. આ નિર્ણયથી સંઘ સાથે જોડાયેલા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ મળશે.

1 ડિસેમ્બરથી પ્રતિ કિલો ફેટે ₹890 ચૂકવાશે

રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં ઘાસચારાની અછત અને પશુ આહારના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક મદદ કરવાના હેતુથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે ₹20 ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારો 1 ડિસેમ્બર, 2026 થી લાગુ થશે.

દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે શું ભાવ મળશે?

ગોરધનભાઈ ધામેલીયાએ વધુમાં જણાવ્યું કે, હાલમાં દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે ₹870 ચૂકવવામાં આવે છે. રાજકોટ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવ વધારાની વ્યવસ્થા મુજબ દૂધ સંઘ તમામ દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે ₹890 ચૂકવશે, જ્યારે દૂધ મંડળીઓ પોતાના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે ₹885 ચૂકવશે.

સૌરાષ્ટ્રના હજારો પશુપાલકોને આર્થિક રાહત

ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની અછત સર્જાઈ છે. તેની સાથે ઘાસચારાના ભાવમાં વધારો અને પશુ આહારનો વધતો ખર્ચ પશુપાલકો માટે આર્થિક મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રાજકોટ ડેરીના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યોએ લીધેલા નિર્ણય અનુસાર દિવાળી બાદ દૂધ ઉત્પાદકોને વધુ એક બોનસરૂપે આર્થિક ટેકો મળી રહે તે હેતુથી પ્રતિ કિલો ફેટનો ભાવ ₹870થી વધારીને ₹890 કરવામાં આવ્યો છે. ભાવ વધારાથી રાજકોટ ડેરી સાથે જોડાયેલા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક ફાયદો થશે.