Rajkot Retail Milk Price Hike: દેશની સૌથી મોટી સહકારી ડેરી અમૂલે દૂધના ભાવમાં લિટરે ₹4 સુધીનો વધારો કર્યા બાદ આજથી ખાનગી ડેરીના સંચાલકોએ દૂધના ભાવમાં લિટરે ₹2 થી ₹4 વધારો કર્યો છે. દૂધના ભાવ વધતા ચાની ચુસ્કી પણ મોંઘી બની છે અને અડધી ચાના ભાવમાં ₹3 તથા આખી ચાના ભાવમાં ₹5 વધારો કરી દીધો છે.
છૂટક દૂધના ભાવમાં કેટલો વધારો?
ડેરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા હવે છૂટક દૂધના ભાવમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 650 ડેરીમાં છૂટક 3 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. ચાર ફેટથી વધુના દૂધમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. 4 ફેટ સુધીના દૂધમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. 4 ફેટ સુધીનું દૂધ જે 30થી 35 રૂપિયામાં મળતું હતું તે હવે 32થી 37 રૂપિયા સુધી મળશે. 4થી 6 ફેટ સુધીના દૂધનો ભાવ વધીને 62થી 70 રૂપિયા સુધી થયો છે.
ફેટ અનુસાર દૂધના ભાવમાં વધારો
ડેરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું કે, અમૂલ ડેરીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે. હાલમાં 4 ફેટના દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2, 4 ફેટથી ઉપરના દૂધમાં ₹4 અને દહીંમાં ₹10 વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ગામડાની પરિસ્થિતિ ખરાબ હોવાથી દૂધની આવકમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કરવો પડ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ડેરી મર્ચન્ટ એસોસિએશનનો નિર્ણય
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટમાં દૂધ વેચનાર એસોસિએશન છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે અને કાયમી ધોરણે માલધારીઓ તેમજ ગ્રાહક વર્ગના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. આજની તારીખે ખાનગી ડેરીઓ ગામડે સહકારી ડેરી કરતા પ્રતિ કિલો ફેટ 75 પૈસા ભાવ ઊંચો આપે છે. તેમજ 21 નવેમ્બરથી 10 પૈસાનો વધારો કરીને 85 પૈસા ભાવ ઊંચો આપવામાં આવશે, જેથી માલધારીઓને રાહત મળે.
વેચાણ ભાવમાં સહકારી ડેરી કરતા કાયમી ધોરણે ₹2 નીચો ભાવ રાખવામાં આવે છે, જેથી ગ્રાહક મિત્રોને સરળતા રહે અને માલધારી સમાજને પણ રાહત થાય. રાજકોટમાં આશરે 650 જેટલી ડેરી આવેલી છે. તેમજ અંદાજે 3 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે.
દૂધના ભાવમાં હજુ વધારો થઈ શકે?
આગામી સમયના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શિયાળો જાણે આવ્યો નથી તે રીતે દૂધની અછત જોવા મળી રહી છે. જો દૂધ ઘટશે તો આવનારા દિવસોમાં કદાચ ફરીથી ભાવ વધારો થાય તેવી પૂરી શક્યતા છે.
દૂધના ભાવ વધારાના પગલે ચાના ભાવમાં પણ વધારો આવ્યો છે. ચાના કીટલી વાળાઓએ આજથી જ અડધી ચાના ₹15 અને આખી ચાના ₹35 કરી નાખ્યા છે. ચાના વેપારીઓની બેઠક મળનાર છે. તેમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
