Rajkot: માતા-પિતાના વિયોગમાં પુત્રનો ઝેરી પાવડર ફાકી આપઘાત, બે માસમાં એક જ ઘરમાંથી ત્રણ અર્થી ઉઠતા પરિવારમાં કલ્પાંત

પતિનું બીમારી સબબ મોત નિપજતા, પત્નીએ ઝેર પી જિંદગી ટૂંકાવી હતી. માતાના બેસણાના આગલા દિવસે જ કારખાનેદાર પુત્રએ પણ આત્મહત્યા કરી લીધી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 05:37 PM (IST)Updated: Wed, 19 Aug 2026 05:37 PM (IST)
rajkot-crime-news-son-commits-suicide-after-losing-parents-3-deaths-in-parmar-family-within-2-months

Rajkot: શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં પતિનું બીમારી સબબ મોત નીપજતા આઘાતમાં પત્નીએ ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. માતા-પિતાના વિરહમાં કારખાનેદાર પુત્રએ માતાના બેસણાના આગલા દિવસે ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. બે માસમાં જ એક ઘરમાંથી ત્રણ અર્થી ઉઠતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતા અને વિરાણી અધાટમાં કિંજલ ઇન્ડસ્ટ્રીઝ નામે ગેસ વેલ્ડીંગનું કારખાનુ ધરાવતા કરણ હિતેશભાઇ પરમાર (28) બપોરના અરસામાં પોતાના ઘરે હતો, ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો.

યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનુ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક કરણ પરમાર બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. કરણ પરમાર વિરાણી અધાટમાં કારખાનુ ધરાવતો હતો. ગત તા.18 જૂનના રોજ તેના પિતા હિતેષભાઇ પરમાર (53)નું બીમારી સબબ મોત નીપજ્યુ હતું. પતિના વિયોગમાં પત્ની પારુલબેને ગત સોમવારે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું.

માતા-પિતાના વિરહમાં કારખાનેદાર પુત્ર કરણ પરમારે પણ માતાના બેસણાના આગલા દિવસે ઝેરી પાવડર પી આત્મઘાતી પગલુ ભરી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. બે માસમાં એક ઘરમાંથી ત્રણ અર્થી ઉઠતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.