Surat Food Poisoning: સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયા બાદ 5 વર્ષની દીકરીનું મોત થયું હતું. બીજી તરફ પરિવારના સભ્યો હોસ્પિટલમાં દાખલ હોય માત્ર પિતા જ દીકરીના અંતિમ સંસ્કાર માં જઈ શક્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે બાળકીના મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વતની અને હાલમાં સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ ઈશ્વર નગર પાસે રહેતા અશોકભાઈ ચતુરભાઈ કળસરીયા પરિવાર સાથે રહે છે. તેમના પરિવારના પાંચ સભ્યો જેમાં અશોકભાઈ તેમની પત્ની અને 3 દીકરીઓની તબિયત લથડી હતી અને તમામ સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ દરમ્યાન અશોકભાઈની 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હતું. જ્યારે અશોકભાઈ તેમની પત્ની જ્યોત્સના બેન અને બે પુત્રીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, ઘર નજીક શીતલ રેસ્ટોરન્ટમાંથી શાક લાવીને ખાધા બાદ તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું.
પુત્રીની અંતિમ વિધિ પતાવીને પિતા ફરીથી હોસ્પિટલમાં દાખલ થયા
કરુણાંતિકા એ હતી કે. પરિવારના સભ્યો હોસ્પિટલમાં દાખલ છે અને માત્ર પિતા જ દીકરીના અંતિમ સંસ્કારમાં જઈ શક્યા હતા. અંતિમ સંસ્કાર કરી આવ્યા બાદ પિતા ફરીથી હોસ્પિટલમાં દાખલ છે બીજી તરફ માતા સહિત અન્ય સભ્યોની તબિયત હાલ સુધારા પર છે અને આજ સાંજ સુધીમાં તબીબી તપાસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અંગેનો નિર્ણય લઈ શકશે.
પરિવારે બે દિવસ પહેલાં બહારથી ભોજન મંગાવ્યું હતું, જે બાદ પરિવારજનોને પેટમાં દુખાવો અને ઊલટીની સમસ્યા શરૂ થઈ હતી. જેમાં બાળકીને સતત ઊલટી થતાં તેની હાલત વધુ નાજુક બની ગઈ હતી. બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન ઇમરજન્સી રૂમમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવારજનો દ્વારા રેસ્ટોરન્ટના ભોજનથી ફૂડ પોઇઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સમગ્ર મામલે બાળકીના મોતનું કારણ ફોરેન્સિક વિભાગ અને બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
સુરતના 9 ઝોનમાં ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવાની માંગ, AAP કોર્પોરેટરનો કમિશનરને પત્ર
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને સુરત મનપાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સુરતમાં જે ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી એના સાત દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ પત્ર લખીને માંગ કરી હતી કે સુરત શહેરના તમામ નવ ઝોનમાં ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવે. જેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સામાન્ય દરે ફૂડ ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કોઈપણ ખાદ્ય પદાર્થનો ટેસ્ટ કરાવી શકે.
અમે સાત દિવસ પહેલા આ મુદ્દે ગંભીરતા દાખવી હતી. અમે ચૂંટણી સમયે પણ લોકોને વચન આપ્યું હતું કે, આમ આદમી પાર્ટીના મેયર બનશે તો અમે આરોગ્ય બાબતે ગંભીર બનીશું અને સુરતના તમામ નવ ઝોનમાં અમે ફૂડ ટેસ્ટ લેબોરેટરી બનાવીશું, જેથી લોકોની ચિંતા દૂર થાય.
