વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં ભારે પડ્યા; ગુજરાતભરમાં 128 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ, 38 નોટિસ અપાઈ, 4 કેન્ટીન બંધ!

સુરત ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ રાજ્યભરમાં FDAની સ્પેશિયલ ડ્રાઇવ. 128 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરી 38 નોટિસ અપાઈ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 15 Sep 2026 10:00 PM (IST)Updated: Tue, 15 Sep 2026 10:00 PM (IST)
gujarat-hostel-canteen-raid-38-notices-4-closed-after-food-poisoning

Gujarat Hostel Canteen Raid: સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની અપ્રિય ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાના કારણે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે રાજ્યભરની હોસ્ટેલો અને કેન્ટીનોમાં સઘન તપાસ હાથ ધરવા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રને સખત સૂચનાઓ આપી હતી.

રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ અને વ્યાપક તપાસ

મંત્રીશ્રીની આ સ્પષ્ટ સૂચનાના અનુસંધાનમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા તા. 15/09/2026ના રોજ રાજ્યભરમાં એક વિશેષ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સાંજે 6:00 વાગ્યા સુધી ચાલેલી આ સઘન કામગીરી દરમિયાન રાજ્યભરમાં કુલ 128 હોસ્ટેલ અને કેન્ટીનની આશ્ચર્યજનક ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં 25 સરકારી, 35 અર્ધસરકારી અને 68 ખાનગી હોસ્ટેલ તથા કેન્ટીનનો સમાવેશ થાય છે.

ખામીઓ બદલ નોટિસ અને નમૂના સંગ્રહની કાર્યવાહી

તપાસ દરમિયાન જ્યાં-જ્યાં સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોમાં ખામીઓ જણાઈ આવી, ત્યાં સંચાલકોને કડક ચેતવણી આપીને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે કુલ 38 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોની અસલી ગુણવત્તા ચકાસવા માટે સ્થળ પરથી 11 શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે, જેને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

અસ્વચ્છતા બદલ ચાર કેન્ટીન સ્વયંભૂ બંધ

આ ડ્રાઇવ દરમિયાન કેટલીક જગ્યાએ અત્યંત ગંભીર અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ ન લેવાય તે હેતુસર ગંભીર બેદરકારી પકડાતા 4 હોસ્ટેલ અને કેન્ટીનને તંત્રની કડકાઈના ડરે સ્વયંભૂ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

સરકારની કડક ચેતવણી અને પ્રતિબદ્ધતા

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્યના નાગરિકો અને માસૂમ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કોઈપણ શખ્સ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન અને કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રહેશે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન થાય અને સૌને શુદ્ધ ખોરાક મળે તે માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.