Panchmahal: હાલોલમાં રખડતા ઢોરોનો આતંક, GIDC રોડ પર યુદ્ધે ચડેલા આખલાઓએ ફંગોળતા બાઈક ચાલકનું મોત

હાલોલ GIDC રોડ પર રખડતા બે આખલાઓની લડાઈમાં ફંગોળાતા 58 વર્ષીય બાઈક ચાલક ગોરધનભાઈ પરમારનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 05:00 PM (IST)Updated: Wed, 19 Aug 2026 05:00 PM (IST)
panchmahal-news-bike-rider-killed-as-fighting-bulls-toss-him-on-road

પ્રશાંત ગજ્જર, Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ GIDC રોડ પર રખડતા પશુઓનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. હાલોલ તાલુકાના સાથ રોટા ગામના 58 વર્ષીય વડીલ ગોરધનભાઈ અંદરસિંગ પરમારનું બે લડતા આખલાઓની અડફેટે આવી જવાના કારણે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે.

ગત 16મી તારીખે બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે ગોરધનભાઈ પરમાર પોતાની બાઇક લઈને હાલોલ GIDC રોડ પર આવેલા મોગલ માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક જ રસ્તા વચ્ચે બે તોફાની આખલાઓ ભૂરાટા થઈને લડતા લડતા તેમની એકદમ નજીક આવી પહોંચ્યા હતા. પશુઓની આ અચાનક થયેલી લડાઈ દરમિયાન એક આખલાના જોરદાર ધક્કાથી ગોરધનભાઈ ચાલુ બાઇક પરથી ફંગોળાઈને જોરભેર રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં ગોરધનભાઈના શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વડોદરા ખાતે સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું દુઃખદ અવસાન થયું હતું.

હાલોલ જેવા વ્યસ્ત વિસ્તારમાં દીનપ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસ અને અકસ્માતના આ બનાવને પગલે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર રખડતા પશુઓ રસ્તા વચ્ચે અડિંગો જમાવીને લડતા હોય છે, જેના કારણે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા રખડતા પશુઓને નિયંત્રિત કરવા કે નાથવા માટે સમયાંતરે કોઈ નક્કર અભિયાન ચલાવવામાં આવતું નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.