Rajkot: રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા કોઠારીયા સોલવન્ટમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને માથામાં ધોકો મારી ખોપરી ફાડી હત્યા નીપજાવી હતી અને આ ઘટના બાદ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કેકેવી ચોક નજીક બ્રિજ નીચે રાત્રે એક નેપાળી યુવાનની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી.
આ ઘટનામાં માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે એક શકમંદને ઉઠાવી લઇ પૂછપરછ શરૂ કરી છે. તેમજ હત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, આરોપી અને મૃતક વચ્ચે મોબાઇલ બાબતે ઝઘડો થયો હતો અને આરોપીએ આવેશમાં આવી પથ્થરના ઘા ઝીંકી નેપાળી યુવાનની હત્યા નીપજાવી હતી.
ગઈકાલે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ કેકેવી બ્રિજ નીચેથી એક યુવાનની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી.આ ઘટનામાં માલવીયા નગર પોલીસના પીઆઇ દેસાઈ,રાઇટર મહેશભાઈ રૂડાતલા અને સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરતા મૃતક યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો રાહુલ પ્રેમસિંગ વિશ્વકર્મા(ઉ.33)હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક હોટેલમાં કામ કરતો હતો અને પોતે કામ પર જવાનું કહી ઘરેથી રાત્રે સાડા દસેક વાગ્યે નીકળ્યો હતો.તેના છૂટાછેડા થઈ ગયા છે અને હાલ તેની દીકરી એની માતા સાથે રહે છે. રાહુલ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો.
આ ઘટના અંગે માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર.દેસાઈ અને રાઇટર મહેશભાઈ સહિતના સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,રાહુલને કોઈએ પથ્થરના ઘા ઝીંક્યા હતા અને હાલ સીસીટીવી ફુટેઝના આધારે એક શકમંદને ઉઠાવી લઇ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, મોબાઇલ મામલે મૃતક રાહુલ અને આરોપી વચ્ચે માથાકૂટ થઇ હતી અને આ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમા આરોપીએ પથ્થરના ઘા ઝીંકી રાહુલને પતાવી દીધો હતો.
