Rajkot Rape-Murder Case: રાજકોટ શહેરના ચકચારી 76 વર્ષીય વૃદ્ધાના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી રમેશ વૈધુકીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે તેના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ભક્તિનગર પોલીસે આ જઘન્ય હત્યાકાંડના તમામ પાસાઓની તપાસ અને નક્કર પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને કસ્ટડીમાં લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે.
આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવાશે
પોલીસ તપાસ અનુસાર, આરોપી રમેશ વૈધુકીયાએ વૃદ્ધાનું અપહરણ કઈ રીતે કર્યું અને ઘટનાસ્થળે લઈ જઈ કઈ રીતે દુષ્કર્મ આચરી હત્યા કરી, તે સમગ્ર ઘટનાક્રમ સમજવા માટે ડમી મહિલાને સાથે રાખીને ક્રાઈમ સીનનું વિગતવાર રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ ઉપરાંત, વૃદ્ધા પ્રત્યે આવી વિકૃત અને ઘાતકી માનસિકતા ધરાવતા આરોપીનો સ્પેશિયલ માનસિક રોગના તબીબ પાસે સંપૂર્ણ મેડિકલ રિપોર્ટ પણ તૈયાર કરાવવામાં આવશે, જેથી કેસ દરમિયાન તેની માનસિક સ્થિતિ અંગેનો સચોટ દસ્તાવેજ કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય.
આરોપીની રિક્ષા કબજે કરી FSL માં મોકલી
આ ચકચારી ગુનામાં વાપરવામાં આવેલી ઓટો રિક્ષા ભક્તિનગર પોલીસે કબ્જે કરી લીધી છે. રિક્ષામાંથી વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પુરાવા મેળવવા માટે તેને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવી રહી છે. તેની સાથે સાથે વૃદ્ધાને રિક્ષામાં બેસાડી જ્યાંથી લઈ જવામાં આવ્યા હતા તે સાત હનુમાન મંદિરથી લઈને આજીડેમ સુધીના સમગ્ર માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબ્જે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આરોપીની મૂવમેન્ટની મજબૂત ટાઈમલાઈન સાબિત થઈ શકે.
આરોપી સામે હત્યાના ત્રણ ગુનાઓ નોંધાયેલ
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, રમેશ વૈધુકીયા સામે અગાઉ પણ હત્યાના ત્રણ અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. જોકે, અગાઉના કેસોમાં સીધા અને મજબૂત પુરાવાના અભાવે તે કોર્ટમાંથી નિર્દોષ જાહેર થઈ ગયો હતો. આ ચોથા મર્ડર કેસમાં આરોપી કાયદાના સકંજામાંથી છટકી ન જાય તે માટે ભક્તિનગર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. સાયન્ટિફિક, ડિજિટલ અને મેડિકલ સહિતના એક-એક મજબૂત પુરાવા એકત્રિત કરી વોટરટાઈટ ચાર્જશીટ રજૂ કરવાની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
