ગુજરાતમાં ધુળેટી પર્વે મેડિકલ ઈમરજન્સીના 4800થી વધુ કેસ નોંધાયા, રાતે 9 વાગ્યા સુધી 108 એમ્બ્યુલન્સની સતત દોડાદોડ રહી

અમદાવાદમાં સૌથી વધુ 908 ઈમરજન્સી કેસ નોંધાયા. જ્યારે સુરતમાં રોજ કરતાં 57.42 ટકા ઈમરજન્સી કેસ વધ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Mar 2026 10:03 PM (IST)Updated: Wed, 04 Mar 2026 10:03 PM (IST)
ahmedabad-news-gujarat-holi-emergency-4890-calls-received-by-108-ambulance-service-till-9-pm
HIGHLIGHTS
  • સામાન્ય દિવસોની સરખામણીએ આજે 22.20 ટકા કેસ વધ્યા

Ahmedabad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રંગોના પર્વ હોળી-ધુળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. જો કે સામાન્ય દિવસોની સરખામણીમાં રંગોત્સવના પર્વમાં મેડિકલ ઈમરજન્સીના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેના પગલે આજે આખો દિવસ 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે.

રાતે 9 વાગ્યા સુધીમાં 108ની ટીમે 4890 ઈમરજન્સી કોલ રિસીવ કર્યાં
108 દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે ધુળેટીના દિવસે રાતના 8 વાગ્યા સુધી ગુજરાતભરમાંથી 4890 જેટલા ઈમરજન્સી કોલ રિસીવ કરવામાં આવ્યા છે.

સામાન્ય દિવસોમાં આ સંખ્યા 4002ની આસપાસ રહેતી હોય છે, જેની સરખામણીમાં આજે ધુળેટીના પર્વે 888 કેસ વધારે નોંધવામાં આવ્યા છે. આમ સામાન્ય દિવસોની સરખામણીમાં ધુળેટીના પર્વે 22.20 ટકા કેસ વધારો નોંધાયા છે.

અમદાવાદમાં રોજ કરતાં 18.3 ટકા વધુ કોલ રિસીવ થયા
જો જિલ્લા પ્રમાણે મેડિકલ ઈમરજન્સીના કેસની વિગતો જોઈએ તો, રાજ્યભરમાં સૌથી વધુ 908 ઈમરજન્સી કેસ અમદાવાદમાં નોંધાયા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદમાં 767 મેડિકલ ઈમરજન્સી આવતી હોય છે, જેની સરખામણીમાં આજે ધુળેટીના પર્વે 18.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અન્ય શહેરોમાં આજે મેડિકલ ઈમરજન્સી કેસની વિગતો જોઈએ તો, સુરતમાં 581 (સામાન્ય દિવસોની સરખામણીમાં 57.42 ટકા વધારે), વડોદરામાં 255, રાજકોટમાં 244, દાહોદમાં 185, વલસાડમાં 176 કોલ રિસીવ કરવામાં આવ્યા છે.

2025માં ધુળેટીએ 5156 ઈમરજન્સી કેસ નોંધાયા હતા
હોળી અને ધુળેટીના પર્વ પર ખાસ કરીને અકસ્માત, ડુબવા અને મારામારી જેવા ઈમરજન્સીના કેસ સૌથી વધુ નોંધાતા હોય છે. ગત વર્ષે હોળીના દિવસે મેડિકલ ઈમરજન્સીના 4008 તેમજ ધુળેટીના દિવસે 5156 કેસ નોંધાયા હતા.