Rajkot Police Firing: રાજકોટના લૂંટ વીથ મર્ડરના ચકચારી કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં કેસના મુખ્ય આરોપી અનુરાગસિંહ રાજપૂતે પોલીસ કસ્ટડીમાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કર્યો હતો. જો કે પોલીસે જવાબી ફાયરિંગ કરતાં આરોપી ઈજાગ્રસ્ત થયો હોવાનું માલૂમ પડ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજી GIDC વિસ્તારમાં આવેલ તન્વી ગોલ્ડ એક્સપોર્ટના કર્મચારીને લાલજી સરધરાની ગોળી મારીને હત્યા કર્યાં બાદ તેમની પાસે રહેલ એક કિલો સોનું અને 3 કિલો ચાંદી મળીને કુલ રૂ. 1.52 કરોડની મત્તા ભરેલી બેગ ઝૂંટવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે રાજકોટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુખ્ય આરોપી અનુરાગસિંહ રાજપૂતને સાથે રાખીને પંચનામું કરવા સ્થળ પર લઈ આવી હતી. જ્યાં આરોપીએ બીજુ એક હથિયાર અગાઉથી છૂપાવીને રાખ્યું હતુ, જેના વિશે પોલીસ પણ અજાણ હતી.
જ્યારે પોલીસ પંચનામું કરી રહી હતી, ત્યારે આરોપીએ છૂપાવેલું હથિયાર બહાર કાઢીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ સમયે PSI વનરાજસિંહ ડોડિયાએ સ્વબચાવમાં જવાબી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં આરોપી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
