AAP MLA ચૈતર વસાવાને એક દિવસના હંગામી જામીન, વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા ભાઈને મળવા હાઈકોર્ટે મંજૂરી આપી

ગુજરાત હાઈકોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા ભાઈને મળવા માટે એક દિવસના હંગામી જામીન આપ્યા છે. તેમના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 11:17 PM (IST)Updated: Fri, 16 Oct 2026 11:17 PM (IST)
aap-mla-chaitar-vasava-gets-interim-bail-from-gujarat-hc-as-brother-rushed-to-ventilator
chaitar vasava gujarat high court

Chaitar Vasava Bail: ગુજરાત હાઈકોર્ટ દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા ભાઈને મળવા માટે એક દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા છે.

હકીકતમાં ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હાલત વધારે ગંભીર જણાતા તબીબો દ્વારા તેમને ICUમાં વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.

આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ પારૂલ વડગામાએ જણાવ્યું કે, ગત 12 ઓક્ટોબરે ICUમાં શાંતિલાલ દામજીભાઈ વસાવાને દાખલ કરવામાં આવ્યા છે, જે સોનગઢથી આવ્યા છે. આ પોઈઝનીંગનો કેસ છે, જેને મેડિકલ ભાષામાં ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ કહેવાય છે. હાલ તેઓ વેન્ટીલેટર પર છે. તેમની હાલત ગંભીર છે.


રૂ. 10 હજારના પર્સનલ બોન્ડ પર એક દિવસના હંગામી જામીન

ભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળતા ચૈતર વસાવાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં 3 દિવસના જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે સરકારે માનવતાના ધોરણે વિચાર કરવા ટકોર કરી હતી. જે બાદ બન્ને પક્ષોની દલીલોને અંતે હાઈકોર્ટે ચૈતર વસાવાને રૂ. 10 હજારના પર્સનલ બોન્ડ પર એક દિવસના હંગામી જામીન આપ્યા છે. આ દરમિયાન તેઓ પોલીસ જાપ્તા સાથે પોતાના ખર્ચે સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈને મળવા જઈ શકશે.