Rajkot: સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતા ઘણા વેપારીઓ આર્થિક ભીંસમાં મૂકાયા છે, અનેક વેપારીઓને ખોટનો સામનો કરવો પડ્યો છે. એવામાં રાજકોટ શહેરના સોની બજારમાં જ્વેલર્સની પેઢી ધરાવતા સોની વેપારીએ આર્થીક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
સોની વેપારીએ ગઈકાલે બપોરના સમયે કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલની પાછળ બહેનના ઘરના દરવાજા પાસે જ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું આજે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મેહુલ નગરમાં રહેતા હરિકૃષ્ણ ભાઈ જયચંદભાઈ રાણપરા નામના 58 વર્ષના સોની વેપારી ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલની પાછળ આવેલા જલારામ નગરમાં બહેનના ઘર પાસે હતા. આ સમયે તેઓએ કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ બાબતની જાણ તેમના બહેન શર્મિલાબેનને થતા તેઓએ તુરંત જ ભાઈ હરિકૃષ્ણને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેઓનું આજે બપોરના સમયે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
હરિકૃષ્ણ ભાઈને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે તેમજ પોતે બે ભાઈ બે બહેનમાં મોટા હતા. મૃતકને 10 વર્ષ પહેલા બાયપાસ કરાવ્યું હતું અને તેમની મગજની દવા ચાલુ હતી. તેઓની બજારમાં શ્રી જ્વેલર્સ નામે પેઢી ધરાવતા હતા.
જોકે છેલ્લા ઘણા સમયથી તેમનો ધંધો ચાલતો નહોતો જેથી તેઓ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હતા અને માનસિકની દવા પણ ચાલુ હતી. ગઈકાલે તેઓએ કંટાળી તેમના બહેનના ઘર પાસે જઈ પગલું ભરી લીધું હતું.આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
