Rajkot: શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા હુડકો ચોકડી પાસે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પરિણીત મહિલાએ પોતે ગર્ભવતી હોવાની ખુશખબર આપતાં જ તેના પતિ અને સાસરિયાઓએ તેના ચારિત્ર્ય પર ગંભીર શંકા વ્યક્ત કરીને ઘાતકી હુમલો કર્યો હતો.
લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થયા બાદ ત્રણ મહિના માવતરે રહ્યા પછી પરિણીતા સગર્ભા બની હોવાનો આક્ષેપ લગાવી પતિ, સાસુ, સસરા અને નણંદે ભેગા મળીને પરિણીતા સાથે અમાનુષી વર્તન કર્યું હતું અને માર મારીને તેને રસ્તા પર નિરાધાર હાલતમાં છોડી મૂકી હતી. આ મામલે પીડિત પરિણીતાએ આજીડેમ પોલીસ મથકમાં પોતાના પતિ સહિત સાસરિયાના ચાર સભ્યો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પરિણીતાના લગ્ન સચિન નામના યુવક સાથે થયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતોમાં ઝઘડા થતા હોવાથી પરિણીતા રિસામણે પોતાના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી. આ આશરે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન તેનો પતિ તેને મનાવવા અને સમજાવવા માટે અવારનવાર તેના માવતરે આવતો હતો.
રાતના સમયે પરિણીતાએ પોતે પ્રેગ્નેન્ટ હોવાની ખુશખબરી આપતા પતિ ભડક્યો
તાજેતરમાં પતિ પરિણીતાને પોતાની સાથે હવે કોઈ ઝઘડો નહીં થાય તેવી ખાતરી આપીને પોતાના ઘરે લઈ આવ્યો હતો. સાસરે પહોંચ્યા બાદ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના પતિને ખુશખબરી આપતા જણાવ્યું કે, તે ગર્ભવતી છે. આ સાંભળીને ખુશ થવાને બદલે તેનો પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંભીર આક્ષેપો કરવા લાગ્યો હતો.
પતિએ પરિણીતા પર શંકા કરતાં કહ્યું કે, ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન બાળક ન રહ્યું અને ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ? આ બાળક મારું નથી તેમ કહી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. બોલાચાલી વધતાં જ પતિએ પરિણીતાને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.
સાસુએ પરિણીતાના વાળ પકડ્યા, સસરાએ પાટું માર્યું
ઝઘડાનો અવાજ સાંભળીને સાસુ, સસરા અને નણંદ પણ ત્યાં દોડી આવ્યા હતા. પતિએ પરિણીતા ગર્ભવતી હોવાની વાત કરતાં જ તમામ સભ્યોએ એકસંપ થઈ પરિણીતા પર હુમલો કર્યો હતો. સાસુએ પરિણીતાના વાળ પકડી રાખ્યા હતા, નણંદે ઢીકાપાટુનો માર માર્યો હતો અને સસરાએ પગના ભાગે પાટુ મારતા પરિણીતા નીચે ઢળી પડી હતી.
આટલું જ નહીં, તમામ આરોપીઓએ ભેગા મળીને પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડીને રૈયાધાર પાસે આવેલા પાણીના ટાંકા નજીક રસ્તા પર ઉતારીને ભાગી ગયા હતા.
આ ઘટના અંગે કોઈ અજાણ્યા વ્યક્તિએ પરિણીતાની માતાને જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિણીતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશન પહોંચી પતિ, સસરા, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.
