Ahmedabad: સેટેલાઈટના નિવૃત બેંક કર્મચારીને હનીટ્રેપમાં ફસાવી રૂ. 25 લાખ પડાવ્યા, પૈસા લેવા આવનાર નકલી પોલીસ ઝડપાયો; યુવતી સહિત અન્ય સાગરિતો ફરાર

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક નિવૃત્ત બેંક કર્મચારીને હનીટ્રેપમાં ફસાવીને રૂ. 25 લાખ પડાવી લેવામાં આવ્યા. પોલીસે પૈસા લેવા આવેલા એક નકલી પોલીસકર્મીને ઝડપી પાડ્યો છે, જ્યારે મુખ્ય યુવતી અને અન્ય સાગરિતો ફરાર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 07 Oct 2026 06:51 PM (IST)Updated: Wed, 07 Oct 2026 06:51 PM (IST)
ahmedabad-honeytrap-case-facebook-friend-lures-retired-banker-fake-cop-arrested

Ahmedabad: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિવૃત બેંક કર્મચારીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલી યુવતીએ હની ટ્રેપમાં ફસાવીને રૂ. 25 લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે પૈસા લેવા આવનારા નકલી પોલીસ કર્મચારીને ઝડપી પાડ્યો છે, જ્યારે યુવતી સહિત અન્ય સાગરિતો ફરાર થઈ ગયા છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય નિવૃત બેંક કર્મચારી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે સંપર્કમાં આવેલી 'પાયલ' નામની યુવતીએ મિત્રતા કેળવી હતી. જે બાદ બન્ને જણાં ફેસબુક મેસેજ મારફતે એકબીજા સાથે વાતો કરતા હતા.

યુવતી કારમાં બેસી, તે સાથે જ નકલી પોલીસ ત્રાટકી

ગત કાળી ચૌદશના દિવસે પાયલે બોલાવતા બેંક કર્મચારી પોતાની કાર લઈને દહેગામ ગયા હતા. જ્યાં યુવતીએ તેમની કારમાં બેઠી તે સાથે જ બાઈક પર બે શખ્સો ત્યા આવી પહોંચ્યા હતા. જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને 'આ આ યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી છે અને તમે પણ તેમાં સામેલ છો' તેમ કહીને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ટૂકડે-ટૂકડે 24 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

સાહેબે વધુ 7 લાખ રૂપિયા માંગ્યા છે, નહીંતર કેસમાં ફિટ કરી દઈશું

જે બાદ બે દિવસ પહેલા આ ટોળકીએ ફરીથી વૃદ્ધનો સંપર્ક કરીને સાહેબે વધુ 7 લાખ રૂપિયા માંગ્યા હતા, નહીં આપો તો કેસ કરવાની ધમકી આપી હતી. આખરે કંટાળેલા બેંક કર્મચારીએ પોતાના પુત્રને આપવીતી જણાવતા વાતચીતના અંતે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતુ.

5 ઓક્ટોબરના રોજ ભોગ બનનાર કર્મચારી પકવાન સર્કલ પાસે રૂ. 1 લાખ લઈને ગયા ત્યારે આવેલા 3 શખ્સોએ પૈસા લઈ લીધા હતા. જે બાદ વૃદ્ધે કેસ પુરો થઈ જશે, તેવી લેખિતમાં માંગણી કરતાં ઈસમો ભાગી ગયા હતા. આ મામલે વૃદ્ધે પોલીસને જાણ કરી હતી. જેના પગલે હરકતમાં આવેલી પોલીસે આસપાસના તમામ રસ્તાઓ કોર્ડન કરીને એક આરોપીને રૂ. 1 લાખ રોકડા ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ અલ્પેશ સોલંકી તરીકે થઈ છે, જ્યારે ભાગી છૂટેલા તેના અન્ય બે સાગરિતોના નામ કાનો પરમાર (રહે. બોટાદ) અને લાલો (રહે. મહેસાણા) તરીકે થઈ છે. હાલ તો પોલીસ કાનો અને લાલો તેમજ પાયલ નામની ફરાર યુવતીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.