Rajkot Bhaktinagar Demolition: રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણો પર રેલવે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી પોલીસ વિભાગને સાથે રાખી રેલવે વિભાગ દ્વારા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક ડિમોલિશન
રેલવે વિભાગની માલિકીની જમીન પર થયેલા કાચા-પાકા દબાણો દૂર કરવા માટે વહેલી સવારથી જ રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. મળતી વિગત અનુસાર, રેલવે વિભાગે અગાઉ આ જગ્યા પર ડિમોલિશન પ્રક્રિયા સંદર્ભે નોટિસ પણ આપી હતી. છેલ્લી નોટીસ ગત 11 ફેબ્રુઆરીએ આપી હતી.
રેલવે વિભાગની જમીન પર દબાણ
આ અંગે વિગતો આપતા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, "રેલવેની હદમાં આવતા આ દબાણો દૂર કરવા માટે અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા જગ્યા ખાલી ન કરાતા, આજે આખરે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફટકોઃ કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની રાજકીય સંન્યાસની જાહેરાત
350થી વધુ દબાણ જમીનદોસ્ત કરાશે
ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક રેલવે વિભાગની જમીન પર થયેલા કુલ 350 થી વધુ નાના-મોટા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી 10 જેટલા JCB અને રેલવેના સ્ટાફ તથા સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
