Rajkot Accident: ગોંડલ નજીક બેકાબુ કાર ઝાડ સાથે ભટકાઈ, અમિત ખૂંટ આપઘાત કેસથી ચર્ચામાં આવેલી યુવતીનું મોત

માધાપર ચોકડીની આસપાસ રહેતા મિત્રો સાસણગીર ખાતે પ્રવાસ માણીને રાજકોટ પરત ફરી રહ્યા હતા, ત્યારે મોવિયા ગામ નજીક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 05:54 PM (IST)Updated: Fri, 05 Jun 2026 06:03 PM (IST)
rajkot-accident-girl-death-4-injured-after-crashing-car-into-tree-near-gondal
HIGHLIGHTS
  • અકસ્માતમાં યુવતી સહિત બે યુવકો મળીને 4 ઈજાગ્રસ્તોની હાલત નાજુક

નરેન્દ્ર આહીર, Rajkot News: ગોંડલ નજીક આવેલા શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે બેકાબુ બનેલી કાર ધડાકાભેર લીમડાના ઝાડ સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર એક યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતી અને બે યુવકો સહિત કુલ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માતે મોટો વળાંક ત્યારે લીધો જ્યારે જાણવા મળ્યું કે મૃતક યુવતી બીજું કોઈ નહીં પણ ચર્ચાસ્પદ અમિત ખુંટ આપઘાત કેસ સાથે જોડાયેલી છે. યુવકના મોત બાદ હવે યુવતીના મોતથી સ્થાનિક પંથકમાં ફરી ચકચાર જાગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટના માધાપર ચોકડીની આસપાસ રહેતા મિત્રો સાસણગીર ખાતે રજાઓ માટે કારમાં રાજકોટ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચેથી પસાર થતી વખતે કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

જેથી બેકાબુ બનેલી કાર રોડ કિનારે આવેલા લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત

આ અકસ્માતમાં મોતને ભેટનાર યુવતી ભૂતકાળમાં આપઘાત કરી ચૂકેલા અમિત ખુંટના કેસમાં ચર્ચામાં આવી હતી. અમિતના આપઘાત બાદ હવે પૂજાનું પણ રોડ અકસ્માતમાં રહસ્યમય સંજોગોમાં મોત થતાં લોકમુખે અનેક ચર્ચાઓ અને તર્ક-વિતર્કો શરૂ થયા છે. આ ઘટના માત્ર એક અકસ્માત છે કે તેની પાછળ કોઈ નવા સંકેતો છુપાયેલા છે, તે દિશામાં પણ હવે લોકચર્ચાએ જોર પકડ્યું છે.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતા જ સ્થાનીક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ સાથે જ રાજકોટ સ્થિત પરિવારજનોનો સંપર્ક કરવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે FSLની મદદ સહિત આગળની કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

દૂષ્કર્મની ફરિયાદ નોંધાતા અમિત ખૂંટે સ્યૂસાઈડ નોટ લખી આપઘાત કર્યો હતો

હકીકતમાં સાવરકુંડલાની 17 વર્ષીય સગીરાએ આરોપ લગાવ્યો હતો કે, તે રાજકોટની હોટલમાં રહીને મોડલિંગનું કામ કરતી હતી. આ દરમિયાન રીબડા ગામના અમિત ખૂંટ નામના યુવકસાથે સંપર્કમાં આવતા બન્ને અવારનવાર મળતા હતા. આ સમયે અમિત ખૂંટે કેફી પીણું પીવડાવીને બેભાન કર્યાં બાદ પોતાના પર દુષ્કર્મ આચર્યું હતુ.

આ મામલે પોલીસ તપાસ શરૂ કરે, તે પહેલા જ અમિત ખૂંટે વાડીમાં ઝાડ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. જ્યાંથી પોલીસને અમિત ખૂંટના હાથે લખાયેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પોતાના આપઘાત પાછળ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડાનો હાથ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ પોતાના વિરુદ્ધ પૈસા આપીને દુષ્કર્મની ખોટી પોલીસ ફરિયાદ કરાવી હોવાનું લખ્યું હતુ.