Rajkot: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 1358 જેટલા દબાણકારોને કલેકટર તરફથી જમીન ખાલી કરવાની નોટિસને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને લોકોએ મકાન ખાલી કરીને ભાડે જવા માટે પણ શોધખોળ આદરી હતી.
જો કે ગુજરાત હાઈકોર્ટે હાલ પુરતી રાહત આપતાં કલેકટરનો ડિમોલિશન કરવાનો ઓર્ડર ફગાવી દીધો છે. આ સાથે જ અરજદારોની જમીનની માલિકીની કાયદેસરતાં બાબતે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને 3 મહિનામાં મેરિટના ધોરણે નિર્ણય કરવાનો હુકમ કર્યો છે.
હકીકતમાં કલેકટરની ડિમોલિશનની નોટિસ સામે જંગલેશ્વરનાં અરજદારો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં. શનિવારનાં રોજ અરજીની સુનાવણી થતાં ન્યાયમૂર્તિ વૈભવી નાણાવટી દ્વારા સોમવાર સુધી ડિમોલિશનને બ્રેક મારવામાં આવી હતી. તેમજ આ અરજીની અગ્રતાના ધોરણે સુનાવણી કરવા માટે લિસ્ટ કરવામાં આવી હતી.
આજે સવારે આ અરજી બાબતે સરકાર અને અરજદારોના પક્ષે રજૂઆતો થઈ હતી. જેમાં મુખ્ય મુદ્દો ઉપસ્થિત થયો હતો કે, જંગલેશ્વરમાં આવેલા જમીનના ચાર ખંડ પૈકી બે ખંડ કલેકટર હસ્તકના અને બે ખંડ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકના છે.
ગુજરાત સરકારના જીઆર પ્રમાણે મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકના ખંડમાં જે દબાણ હોય તે દબાણ તોડી પાડવામાં આવે તો તેમને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. જો કે કલેકટર હસ્તકની જમીનમાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી તે લોકો સાથે ભેદભાવ થશે. હાઈકોર્ટે આ મામલે માનવતાવાદી અભિગમ અપનાવવાની તરફેણ કરી હતી.
આજે દલીલ દરમિયાન સરકાર પક્ષે જણાવાયું હતું કે, જો અરજદારોની કોઈ અપીલ પેન્ડીંગ હોય તો ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને પણ આદેશ આપવામાં આવે કે બે અઠવાડિયાની અંદર તે અંગે નિર્ણય લે, પરંતુ હાઈકોર્ટે તે માટે 90 દિવસનો સમય આપ્યો છે.
આ અંગેની સુનાવણીમાં સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે કલેકટરનાં માલિકીના બે ખંડમાં ડિમોલિશન થાય તો વિસ્થાપિતોને આવાસ આપવા માટે કોઈ પોલિસી નથી. જેની સામે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, એક જમીનમાં તમે ડિમોલિશનના અસરકર્તાને આવાસ ફાળવવા માટે મંજૂરી આપો છો તો બીજી જમીનમાં પણ આ બાબતે સરકારે વિચાર કરવો જોઈએ.
આજે ડિમોલિશનના ઓર્ડરને હાઈકોર્ટે રદ કરતાં જંગલેશ્વરમાં વસતા હજારો લોકોને રાહતનો શ્વાસ મળ્યો છે અને હાલ પુરતુ ડિમોલિશન અટકતાં કલેકટર તંત્રને પણ મોટો ઝટકો લાગ્યો છે.
