રાજકોટ: કોટડા સાંગાણીમાં 11 માસના બાળક પર હિચકારો હુમલો, માથામાં હેમરેજ-હાથમાં ફ્રેક્ચર થયું; આરોપી પિતા પર ગુનો દાખલ

પત્ની પર શંકા રાખી માસૂમ પુત્ર પર ગુસ્સો ઉતારતા પિતાએ જ પુત્રની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 11:01 PM (IST)Updated: Thu, 26 Nov 2026 11:01 PM (IST)
kotda-sangani-11-month-old-son-attacked-fir-on-accused-father-rajkot-police

Rajkot Crime News: કોટડા સાંગાણી તાલુકાના વાછરા ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. પત્ની સાથેના ઘરેલુ ઝઘડા અને શંકાના વહેમમાં એક પિતાએ પોતાના જ 11 માસના માસૂમ પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને માથાના ભાગે હેમરેજ અને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે બાળકની માતાએ આરોપી પતિ વિરુદ્ધ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પત્નીના ચારિત્ર પર શંકા રાખી પતિ કરતો ઝગડો

મળતી વિગતો અનુસાર, વાછરા ગામે રહેતા કાજલબેન રણજીતભાઈ પરમારે પોતાના પતિ રણજીત ઉર્ફે ટીનો હસમુખભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, આરોપી પતિ રણજીત પોતાની પત્ની કાજલબેનના ચારિત્ર પર શંકા રાખી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

પત્નની ગેરહાજરીમાં પિતાએ પુત્ર પર કર્યો હુમલો

પતિના આ અસહ્ય ત્રાસથી કંટાળીને કાજલબેન પોતાના બાળકોને પતિ પાસે મૂકીને પોતાના માતા-પિતાના ઘરે રિસામણે જતા રહ્યા હતા. આ દરમિયાન કાજલબેનના દિયર રવીભાઈ પરમારે તેમને ફોન કરીને જાણ કરી હતી કે, રણજીતે તેમના 11 માસના પુત્ર રાજને માર મારી હાથમાં ઈજા પહોંચાડી છે અને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે.

આ સમાચાર મળતા જ કાજલબેન તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ દોડી ગયા, પરંતુ ત્યાં જઈને જાણવા મળ્યું હતું કે આરોપી રણજીત બાળકને હોસ્પિટલમાંથી રજા અપાવીને પરત ઘરે લઈ ગયો છે. ત્યારબાદ ફરી એકવાર દિયર રવીભાઈએ ફોન કરીને કાજલબેનને જણાવ્યું કે પુત્ર રાજની તબિયત વધુ લથડી છે અને બરાબર નથી. પોતાના માસૂમ દીકરાની ચિંતામાં કાજલબેન વાછરા ગામે સાસરે પહોંચ્યા હતા.

પત્નીને પણ માર મારી આરોપી પતિ થયો ફરાર

કાજલબેનને ઘરે આવેલા જોઈને આરોપી રણજીત ઉશ્કેરાઈ ગયો હતો અને "તારે અહીંયા આવવું નહીં" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે કાજલબેને પોતાના દીકરાને મળવાની જીદ કરી ત્યારે આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી લાકડી વડે માર મારી શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે પિતાની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર ઘટના અંગે કાજલબેનની પુત્રી જ્યોતીએ માતાને હકીકત જણાવી કે, પિતા રણજીત ગુસ્સામાં બોલ્યા હતા કે "તારી માએ અને તેં ઉપાડો લીધો છે, આજે તો તને પતાવી જ દેવો છે." આમ કહીને પિતાએરાજનો પાટો બાંધેલો હાથ પકડીને જોરથી ઉંબરા સાથે ભટકાડ્યો હતો. હાલ કોટડા સાંગાણી પોલીસે આરોપી પિતાની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.