ખોડલધામમાં દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી: 19થી 21 જાન્યુઆરીએ 1008 કુંડી મહાયજ્ઞ, બહેનો માટે મહારાસનું આયોજન

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ખાતે 19થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન દશાબ્દી મહોત્સવ યોજાશે. 1008 કુંડી મહાયજ્ઞ, દંપતી આહુતિની વિગતો, મહાસભા અને લાલ પરિધાનમાં બહેનોના મહારાસ અંગે સંપૂર્ણ માહિતી જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 03:20 PM (IST)Updated: Sun, 29 Nov 2026 03:20 PM (IST)
khodaldham-dashabdi-mahotsav-kagvad-1008-kundi-mahayagna-maharas-dates-details

Khodaldham Dashabdi Mahotsav: સમગ્ર લેઉવા પટેલ સમાજની આસ્થા અને સંગઠનશક્તિના કેન્દ્ર સમાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા આગામી તા.19થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવમાં ધાર્મિક આસ્થા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક પરંપરાનો અનોખો સમન્વય જોવા મળશે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ અને સમાજના પરિવારો સહભાગી થશે.

1008 કુંડી મહાયજ્ઞ: પરિવારના દરેક દંપતીને આહુતિનો અવસર

દશાબ્દી મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ તા.19થી 21 જાન્યુઆરી 2027 સુધી દરરોજ સવારે 9.00 થી 12.00 કલાક દરમિયાન યોજાશે.

  • યજ્ઞમાં બેસવા માટે રૂ. 1,11,111/- ની રાશિ નક્કી કરવામાં આવી છે.
  • એક યજ્ઞકુંડ પર એકસાથે 4 દંપતી આહુતિ આપવા માટે બેસી શકશે.
  • નોંધાયેલ યજ્ઞકુંડ પર દરરોજ પરિવારના અલગ-અલગ દંપતીઓને પણ આહુતિ આપવા માટે બેસાડી શકાશે, જેનાથી સમગ્ર પરિવારને યજ્ઞના પુણ્યનો લાભ મળી શકશે.

મહોત્સવમાં લાલ પરિધાનમાં બહેનોનો મહારાસ

મહોત્સવમાં પ્રથમ દિવસે એટલે કે, તા. 19 જાન્યુઆરી 2027ના રોજ બપોર પછી મહાસભા યોજાશે. જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા વિમર્શ થશે. આ જ દિવસે સમગ્ર લેઉવા પટેલની બહેનો માટે ભવ્ય મહારાસનું પણ આયોજન કરાયું છે.

મહારાસમાં ભાગ લેવા માટે બહેનોએ લાલ સાડી અથવા લાલ ચણિયાચોળી પહેરવાની ફરજિયાત રહેશે. એકસમાન રંગના પરંપરાગત પરિધાનમાં બહેનોન ઉપસ્થિતિથી મહારાસમાં ભવ્ય અને અદ્ભુત દ્રશ્ય સર્જાશે.

ઐતિહાસિક અવસરમાં જોડાવા ટ્રસ્ટનું આહવાન

શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા સમસ્ત લેઉવા પટેલ સમાજના પરિવારો અને ખાસ કરીને તા. 19-01-2027 ના મહારાસમાં બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ઉત્સવને શોભાવવા સહૃદય આમંત્રણ તથા અપીલ કરવામાં આવી છે.