Harsh Sanghavi Naresh Patel Meeting: રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કર્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સીધા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દિગ્ગજો વચ્ચે અડધા કલાક સુધી બંધબારણે બેઠક ચાલી હતી. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા થયેલી આ મુલાકાતને લઈને રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
ડેપ્યુટી સીએમ અને નરેશ પટેલની મુલાકાત
આ મુલાકાત બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "ડેપ્યુટી સીએમની એવી ઈચ્છા હતી કે, આપણે નરેશભાઈને ત્યાં શુભેચ્છા મુલાકાત માટે જઈએ, તેથી જ આ મુલાકાત થઈ છે. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને હું આ મુલાકાતને કોઈ રાજકીય ચશ્માથી જોતો નથી."
બીજી તરફ, નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હર્ષ સંઘવી માત્ર ચા-પાણી માટે આવ્યા હતા. આ માત્ર એક સામાજિક મુલાકાત હતી, આ સિવાય કોઈ રાજકીય ચર્ચાઓ થઈ નથી."
કાગવડ ખાતે દશાબ્દી મહોત્સવ 2027નું આયોજન
આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઉપલક્ષમાં ટ્રસ્ટ દ્વારા 'દશાબ્દી મહોત્સવ 2027'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 23 મેના રોજ નરેશ પટેલે રાજકોટથી માતાજીના ત્રણ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું, જે સમગ્ર ગુજરાતમાં ફરીને લોકોને આ મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપશે.
