આનંદીબેનની માફી માંગવા તૈયાર દિનેશ બાંભણિયાને હાર્દિક પટેલનો જવાબ- 'પાટીદાર અનામત આંદોલન કોઈને પદ પરથી હટાવવા માટે નહતું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Nov 2026 03:59 PM (IST)Updated: Tue, 17 Nov 2026 03:59 PM (IST)
hardik-patel-responds-to-dinesh-bambhaniya-over-apologizing-to-anandiben-patel

Rajkot: અત્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સાથે સંકળાયેલા નેતાઓના નિવેદનો રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. હકીકતમાં રાજકોટના જસદણ ખાતે આયોજિત પાટીદાર સમાજના સ્નેહ મિલન સમારોહમાં અનામત આંદોલનના અગ્રણી દિનેશ બાંભણિયા (Dinesh Bambhaniya) દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના (Anandiben Patel) રાજીનામા અંગે ખેદ વ્યક્ત કરવામાં આવ્યા બાદ સમગ્ર મુદ્દો ટોક ઑફ ધી ટાઉન બન્યો છે.

એવામાં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા અને વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) દિનેશ બાંભણિયાને વળતો જવાબ આપતા સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે.

અનામત આંદોલન કોઈને પદ પરથી હટાવવા માટે નહતુંઃ હાર્દિક પટેલ

દિનેશ બાંભણિયાના નિવેદન અંગે હાર્દિક પટેલે ચોખવટ કરતાં જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત કે કોઈ નેતાને પદ પરથી હટાવવા માટે નહોતું, પરંતુ સંપૂર્ણપણે સમાજના હિત અને આવનારી પેઢીના ભવિષ્ય માટે હતું.

આંદોલન અને યુવાનોના સંઘર્ષના પરિણામે જ રાજ્યમાં બિન-અનામત વર્ગ માટે 10% EWS અનામત અને બિન-અનામત આયોગ/નિગમની સ્થાપના થઈ છે, જેનો લાભ આજે હજારો યુવાનો મેળવી રહ્યા છે. દિનેશ બાંભણિયાનું નિવેદન તેમનું વ્યક્તિગત હોઈ શકે છે. પાટીદાર આંદોલન કોઈ એક વ્યક્તિ કે આયોજનથી નહોતું ચાલતું, પરંતુ સમગ્ર સમાજનું આંદોલન હતું.

આનંદીબેનને કોઈ મનદુઃખ નથીઃ દીકરી અનાર પટેલની સાફ વાત

જસદણના સંમેલનમાં ઉપસ્થિત આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે ચર્ચા પર વિરામ મૂકતાં જણાવ્યું કે, તેમના માતા આનંદીબેન પટેલના મનમાં રાજીનામું આપવા અંગે કે આંદોલનને લઈને કોઈ જ પ્રકારનો રંજ કે મનદુઃખ નથી. તેઓ ખૂબ જ મોટા હૃદયના છે અને તેમણે સમાજ હિતને જ પ્રાધાન્ય આપ્યું હતું.