બિનઅનામત ગરીબો માટે 2500 કરોડનું બજેટ, કમિશન-નિગમ બનાવવા હાર્દિક પટેલની ભલામણ

હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું કે, EWS માટે ઉપલબ્ધ 10 ટકા અનામતની વ્યવસ્થા યથાવત જ રહેવી જોઈએ.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 05 Sep 2026 01:48 PM (IST)Updated: Sat, 05 Sep 2026 01:48 PM (IST)
hardik-patel-recommends-2500-crore-budget-commission-for-poor-unreserved-category-people
Hardik Patel 

Hardik Patel on Unreserved Categoryદેશભરમાં હાલ અનામત વ્યવસ્થા, તેનાથી થતા લાભ અને પાત્રતા તથા તેમાં જરૂરી સુધારાઓને લઈને વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એક મહત્વપૂર્ણ સૂર રજૂ કર્યો છે. તેમના મતે, અનામતના આ સંવેદનશીલ વિષયને માત્ર પક્ષ કે વિપક્ષના ચશ્માથી જોવાને બદલે સામાજિક ન્યાયની સાથે-સાથે આર્થિક ન્યાય અને સમાન તકો આપવાના દ્રષ્ટિકોણથી મૂલવવો જરૂરી છે.

ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે, ભારતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનેક બંધારણીય અને સરકારી વ્યવસ્થાઓ કાર્યરત છે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને અન્ય વંચિત વર્ગો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વિવિધ આયોગ, નિગમ, કલ્યાણકારી યોજનાઓ અને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવી છે. પરંતુ, તેની સામે બિન અનામત કે સવર્ણ વર્ગના આર્થિક રીતે નબળા પરિવારો માટે પણ એક મજબૂત અને સંસ્થાકીય વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. માત્ર કોઈ અનામતની શ્રેણીમાં નથી આવતું, તે કારણોસર કોઈ ગરીબ યુવા, તેજસ્વી વિદ્યાર્થી, ખેડૂત, નાનો ઉદ્યોગ સાહસિક કે જરૂરતમંદ પરિવાર વિકાસની રેસમાં પાછળ રહી જવો જોઈએ નહીં.

હાર્દિકે ગુજરાતના મોડેલનો આપ્યો હવાલો

પોતાની રજૂઆતના સમર્થનમાં હાર્દિક પટેલે ગુજરાત મોડેલનો ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો છે. ગુજરાતમાં બિન અનામત વર્ગના આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિશેષ આયોગ અને નિગમ જેવી સંસ્થાકીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સ્વરોજગાર લક્ષી પ્રવૃત્તિઓ તેમજ અન્ય ક્ષેત્રમાં સક્રિય મદદ પૂરી પાડવામાં આવે છે. આ જ પેટર્ન પર હવે કેન્દ્ર સરકારના સ્તરે પણ રાષ્ટ્રીય કક્ષાની મજબૂત કાયમી વ્યવસ્થા ઉભી થવી જોઈએ.

 

વાર્ષિક 2500 કરોડના બજેટની દરખાસ્ત

કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકતા તેમણે જણાવ્યું કે, કેન્દ્રિય સ્તરે "રાષ્ટ્રીય આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ આયોગ" અને "રાષ્ટ્રીય આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ વિકાસ નિગમ" જેવી સ્વાયત્ત અને સત્તાવાર સંસ્થાની રચના કરવા પર ગંભીરતાથી વિચારણા થવી જોઈએ. આ આયોજન માટે શરૂઆતના તબક્કામાં વાર્ષિક આશરે 2500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શકાય છે, જેને ભવિષ્યમાં તેની કામગીરીના પરિણામો અને જરૂરિયાતને આધારે વધારી શકાય.

લાભાર્થીની પાત્રતા આર્થિક ધોરણે નક્કી થાય

આ પ્રસ્તાવિત વ્યવસ્થાનો સૌથી મહત્વનો પક્ષ એ રહેશે કે, તેનો લાભ કોઈ ચોક્કસ જ્ઞાતિના આધારે આપવાના બદલે માત્ર વાસ્તવિક આર્થિક અને સામાજિક-શૈક્ષણિક માપદંડોને આધારે જ મળવો જોઈએ. જેમાં કુટુંબની વાર્ષિક આવક, મિલકત, પરિવારની વાસ્તવિક આર્થિક સ્થિતિ અને શિક્ષણ જેવા વૈજ્ઞાનિક માપદંડોને આધારે યોગ્ય પાત્રતા નક્કી કરી શકાય. આ પદ્ધતિથી એ સુનિશ્ચિત થશે કે સરકારી સહાય વાસ્તવિક જરૂરતમંદો સુધી જ પહોંચે.

EWS અનામત સાથે અલગ સહાય તંત્રની માંગ

હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી કે, બંધારણમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે ઉપલબ્ધ 10 ટકા અનામતની વર્તમાન વ્યવસ્થા યથાવત જ રહેવી જોઈએ. પરંતુ, તેની સાથે-સાથે શિક્ષણ, રોજગારની સજ્જતા, સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ માટે બજેટ આધારિત અલગથી સબળ સહાય માળખું વિકસાવવું અત્યંત જરૂરી છે.

અનામત વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય સામાજિક અને ઐતિહાસિક અસમાનતાને દૂર કરવાનો છે અને તેનું સન્માન થવું જ જોઈએ. તેથી, આ વિષયને કોઈપણ વર્ગના વિરોધમાં ઊભો કરવાને બદલે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને સમાન તકો વચ્ચે સંતુલન જાળવતી નીતિઓ તરફ આગળ વધવું જોઈએ. કોઈ ગરીબ વિદ્યાર્થીની પ્રતિભા માત્ર એટલા માટે ન કુંઠિત થવી જોઈએ કે તે અનામતના દાયરાની બહાર આવે છે.