Laalo-Krishna Sada Sahaayate: 'લાલો'ના દિગ્દર્શક અંકિત સખિયાના વતન મેતા ખંભાળિયામાં ફિલ્મના કલાકારોના સામૈયા, જુઓ VIDEO

ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયામાં જન્મેલ અંકિત સખિયા શરૂઆતના દિવસોમાં મોબાઈલ ફોનમાં શોર્ટ ફિલ્મો બનાવતા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Nov 2025 09:01 PM (IST)Updated: Wed, 19 Nov 2025 09:27 PM (IST)
gujarati-film-laalo-krishna-sada-sahaayate-maker-ankit-sakhiya-welcome-at-meta-khambhalia-village-of-gondal
HIGHLIGHTS
  • મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઢોલના તાલે અંકિત સખિયા સહિતની ટીમનું સ્વાગત કર્યું

Laalo-Krishna Sada Sahaayate: હાલના દિવસોમાં બૉલિવૂડ અને સાઉથની મોટી-મોટી ફિલ્મો સામે નજીવા બજેટમાં બનેલી ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે' બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની ચમત્કારિક સફળતાએ તેના દિગ્દર્શક અંકિત સખિયાને (Ankit Sakhiya) રાતોરાત ચર્ચામાં લાવી દીધા છે, ત્યારે આજે અંકિત સખિયા પોતાની જન્મભૂમિ પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અંકિત સખિયા આજે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા પોતાના વતન મેતા ખંભાળિયા પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનો દ્વારા ઢોલના તાલે ફિલ્મના દિગ્દર્શક સહિતની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

મેતા ખંભાળિયા ગામના લોકોએ પોતાની ભૂમિના પનોતા પુત્ર સહિત અન્ય કલાકારોને ખભે ઉંચકીને વધાવી લીધા હતા. આ સમયે મોટી સંખ્યામાં મહિલા પણ ખાસ ઉપસ્થિત રહી હતી. જ્યારે જુવાનિયા પોતાના મોબાઈલમાં ફિલ્મની ટીમના સ્વાગતના દ્રશ્યો કેમેરામાં કેદ કરતાં જોવા મળ્યા હતા.

ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામના જમીનદાર પરિવારમાં જન્મેલા અંકિત સખિયાને નાનપણથી કલા સાથે લગાવ રહ્યો છે. ગુરુકુળમાં અભ્યાસ દરમિયાન અંકિત સખિયા એડિટિંગની બારીકાઈ શીખ્યા હતા અને નાટકોમાં સક્રિય રહ્યા હતા.

સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા છતાં અંકિત સખિયાનું એકમાત્ર લક્ષ્ય ફિલ્મો બનાવી લોકોને મનોરંજન પુરું પાડવાનું રહ્યું. ફિલ્મ મેકિંગની શરૂઆતમાં અંકિત સખિયા પોતાના મિત્રોના મોબાઈલ ફોનમાં શોર્ટ ફિલ્મ્સ બનાવતા હતા. જ્યારે 'લાલો' ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો, ત્યારે પણ ઘણાં લોકોએ અંકિત સખિયાની કાબેલિયત પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે તેમણે ટીકાઓને ગણકાર્યા વિના લૉ બજેટમાં સારી ફિલ્મ બનાવવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. જેનું પરિણામ આજે 'લાલો' ફિલ્મ સ્વરૂપે આપણી સામે જ છે.

તેમની વાસ્તવિક ફિલ્મ મેકિંગની સફર વિદ્યાનગરથી શરૂ થઈ. ત્યાં મિત્રો સાથે મળીને, તેમણે મિત્રોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને શોર્ટ ફિલ્મ્સ બનાવવાની શરૂઆત કરી.

'લાલો' ફિલ્મ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમની 6-7 કરોડ અને 1 કરોડના બજેટની સ્ક્રિપ્ટોને નિર્માતાઓ તરફથી ભંડોળ ન મળ્યું. ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ નહોતો કે 25-26 વર્ષનો યુવાન આટલી મોટી ફિલ્મનું નિર્દેશન કેવી રીતે કરી શકે. આ પડકારનો સામનો કરવા, તેમણે ઓછા ખર્ચે એક સારો અને ગુણવત્તાસભર પ્રોજેક્ટ બનાવવાનો નિશ્ચય કર્યો, જેના પરિણામે 'લાલો' ફિલ્મનું સર્જન થયું.