Ahmedabad: છેલ્લા દોઢેક મહિનાથી ગુજરાતના થિયેટરોમાં ફિલ્મ 'લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate)ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દર સપ્તાહે કમાણીના એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મના અદ્દભૂત પ્રદર્શન ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો પણ ચમત્કાર માનવા લાગ્યા છે, ત્યારે દર્શકો માટે પણ આ ફિલ્મ ચમત્કાર સાબિત થઈ રહી છે.
'લાલો' ફિલ્મના શુટિંગ સમયે ચમત્કારની વાતો તો આપણે સૌ કોઈ સાંભળી જ ચૂક્યા છીએ. હવે આ ફિલ્મ જોઈને એક યુવકની જિંદગીમાં પણ ચમત્કાર થયો છે. 'લાલો' ફિલ્મના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામમાં આ યુવકનો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
આ વીડિયોમાં 'લાલો- શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મ નિહાળ્યા બાદ એક યુવક ફિલ્મા ડિરેક્ટર અંકિત સખિયા સહિતના કલાકારોને મળે છે. જે બાદ આ યુવક ફિલ્મ નિહાળ્યા બાદ પોતાની જિંદગીમાં થયેલા ચમત્કાર વિશે જણાવે છે.
યુવક જણાવે છે કે, જ્યારે કોઈ માણસ જિંદગીથી હારી જતું હોય, ત્યારે આવી (લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે) જેવી ફિલ્મ આવે છે. જેનું હું જીવતું જાગતું ઉદાહરણ છું.
હું આગલી રાતે આપઘાત કરવાનો હતો, પરંતુ 'લાલો' ફિલ્મ જોયા પછી મેં જીવન જીવવાનો સંકલ્પ લઈ લીધો. મારે લોકોને એક જ વાત કહેવી છે કે, જીવનમાં ક્યારેય હારવાનું નથી. ભગવાન તો આપણને રસ્તો બતાવે જ છે, પરંતુ નીકળવાનું આપણે જ હોય છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ આ વીડિયોને પણ લોકો લાઈક કરી રહ્યા છે. આ સાથે જ કૉમેન્ટમાં યુઝર્સ પણ ફિલ્મના ભરપુર વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, 'લાલો' મુવી હિટ થઈ અને કોઈ માણસનો જીવ બચી ગયો. આનાથી મોટું પુણ્ય શું હોય. એક વ્યક્તિનો જીવ બચ્યો, તેની સામે 100 કરોડ પણ ફેલ છે.
અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, ફિલ્મના માધ્યમથી દર્શકોને સારી પ્રેરણા મળી શકે છે, તે 'લાલો' મુવીએ સાબિત કરીને બતાવ્યું છે. આ ફિલ્મમાં બૉલિવૂડની માફક ખોટા સીન સપાટા નથી કર્યા. ગિરનારના મહાન સંતોના ભજનની ઝલકોથી મુવીને સુંદર રીતે શણગારવામાં આવી છે. ખરેખર લોક કલ્યાણની ભાવનાથી બનેલું અદ્દભૂત મુવી.
