100 કરોડ કમાનારી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની સાઉથમાં બનશે રીમેક? જાણો મેકર્સ અને ડાયરેક્ટરે શું કહ્યું

સાઉથમાં રીમેકની અફવાઓ અંગે ફિલ્મના કો-પ્રોડ્યુસર જય વ્યાસ, પ્રોડ્યુસર અજય પાડરીયા અને ડાયરેક્ટર અંકિત સાખિયા સાથે વાતચીત કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 06 Sep 2026 08:55 AM (IST)Updated: Sun, 06 Sep 2026 08:55 AM (IST)
laalo-gujarati-movie-south-remake-discussion-producers-clarification
લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે

Laalo Gujarati Movie South Remake: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરનારી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ રિલીઝ બાદ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કર્મના સિદ્ધાંત અને આધ્યાત્મ પર આધારિત આ ફિલ્મે માઉથ પબ્લિસિટીના જોરે 100 કરોડથી વધુનું કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે. ગુજરાતી બાદ હિન્દી OTT પર પણ ધૂમ મચાવ્યા બાદ હવે દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ફિલ્મની તેલુગુ, તામિલ અને કન્નડ ભાષાઓમાં રીમેક બનવા અંગેની વાતો અને ચર્ચાઓ વહેતી થઈ છે.

શું ખરેખર રાઈટ્સ વેચાઈ ગયા છે? મેકર્સે જણાવ્યું સત્ય

સાઉથમાં રીમેકની અફવાઓ અંગે ફિલ્મના કો-પ્રોડ્યુસર જય વ્યાસ, પ્રોડ્યુસર અજય પાડરીયા અને ડાયરેક્ટર અંકિત સાખિયા સાથે વાતચીત કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કો-પ્રોડ્યુસર જય વ્યાસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાંથી 3 થી 4 પ્રોડ્યુસર્સ સાથે અલગ-અલગ ભાષાઓ માટે વાતચીત અને નેગોસિએશન ચોક્કસ ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ એગ્રીમેન્ટ કે મૌખિક કરાર ફાઈનલ થયો નથી. કોઈ પણ પ્રોડક્શન હાઉસને રાઈટ્સ ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી અને રીમેક અંગેની તમામ અફવાઓ પાયાવિહોણી છે.

1 થી 2 મહિનામાં થઈ શકે છે અધિકૃત જાહેરાત

મેકર્સે ઉમેર્યું હતું કે તામિલ, તેલુગુ અને કન્નડ ભાષાના નિર્માતાઓ તરફથી ઓફર્સ ચોક્કસ મળી છે. આ તમામ ઓફર્સ અને સ્ક્રિપ્ટમાં કરવા પડતા ફેરફારો અંગે ચર્ચા ચાલી રહી છે, જેમાં 1 થી 2 મહિનાનો સમય લાગી શકે છે. જો ડીલ ફાઈનલ થશે તો સાઉથના જ લોકપ્રિય કલાકારો સાથે ફિલ્મ બનાવવામાં આવશે. બીજી તરફ, ડાયરેક્ટર અંકિત સાખિયાએ જણાવ્યું કે હાલ આ બાબતે પ્રોડ્યુસર્સ ટીમ વાતચીત કરી રહી છે અને યોગ્ય સમયે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

ટૂંકમાં, ‘લાલો’ ફિલ્મની સાઉથ રીમેક માટે માંગ પ્રબળ છે અને પ્રક્રિયા ચાલુ છે, પરંતુ કાગળ પર કોઈ ડીલ ફાઈનલ થઈ નથી.