રાજકોટ: ગોંડલમાં દુકાનમાં ઘૂસી તેલના વેપારીની હત્યા, CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ

હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ અજાણ્યા આરોપીઓ મૃતકનું બાઈક લઈને સ્થળ પરથી ફરાર થયાનું તપાસમાં સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Nov 2026 06:14 PM (IST)Updated: Sat, 28 Nov 2026 06:14 PM (IST)
gondal-oil-trader-bharatbhai-dabhi-murder-rajkot-rural-police-investigation

Rajkot Crime News: ગોંડલમાં હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. શહેરની ચુનારા શેરીમાં આવેલતેલની દુકાનમાં 61 વર્ષીય વેપારીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી છે. ઘટના બાદ મૃતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં ગોંડલ એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ શહેરના રામ મંદિર પાસે આવેલી અરુણ કોલોનીમાં રહેતા 61 વર્ષીય ભરતભાઈ નાનભા ડાભી ચુનારા શેરીમાં ’મહાવીર ટ્રેડર્સ’ નામે તેલનો વેપાર કરતા હતા. ભરતભાઈ નિત્યક્રમ મુજબ દરરોજ રાત્રે 10 વાગ્યે દુકાન વધાવીને ઘરે જતા રહેતા હતા. પરંતુ ગત રાત્રે 11:30 વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી જણાતા પડોશીઓને શંકા ગઈ, જેના પગલે તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા.

હત્યારાઓએ દુકાનની અંદર જ ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ સ્થળેથી ગાયબ છે. દુકાનમાંથી રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસ PI જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની દુકાનની અંદર CCTV કેમેરા નથી, પરંતુ બહારના ભાગે લાગેલા કેમેરા અને આસપાસના વિસ્તારના ફૂટેજ પોલીસે કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીનીહત્યાથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ છરીનાં ઘા ઝીંકી થયેલ વેપારીની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરતા હતા અને અહીંના જાણીતા વેપારી હતા. મૃતકને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો છે, જે સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. આ દુ:ખદ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, વેપારીની હત્યા ચાકુના ઘાથી થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે કેમ તે હાલ ચોક્કસપણે કહી શકાય નહીં. કારણ કે વેપારીએ પહેરેલા સોનાના દાગીના સલામત હોય ત્યારે લૂંટનો ઈરાદો હોવાનું સ્પષ્ટ કરી શકાય નહીં. હત્યાના ચોક્કસ કારણો જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક PM અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હાલ અલગ-અલગ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને રાજકોટ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.