Rajkot News: ગોંડલમાં પુત્રીના હાથે પિતાની હત્યાનો બનાવ બન્યો છે. શનિવારની સાંજે ભોજપરા ગામમાં કૌટુંબિક ઝગડા દરમિયાન ઇંટના ઘા મારી પુત્રીને પિતાની હત્યા કરી હતી. બાદમાં દારુ પીને પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે ડોક્ટરો અને પોલીસને આ અંગે શંકા જતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તપાસમાં હત્યા થવાનું સામે આવતા મૃતકના પત્ની દ્વારા પુત્રી વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક પત્ની અને દીકરીઓ સાથે અવાર-નવાર ઝગડો કરતા
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોંડલ તાલુકામાં ભોજપરા ગામ આવેલું છે. ભોજપરાના ધાર વિસ્તારમાં લક્ષ્મણભાઈ સોમાભાઇ બગડા છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતા ન હતા અને દારુના રવાડે ચડી ગયા હતા. જ્યારે તેમના પત્ની હંસાબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ છે તેમજ ત્રણ દીકરીઓ છૂટક મજૂરી અને ખાનગી નોકરી કરીને ઘરમાં મદદ કરે છે. પતિ લક્ષ્મણભાઇ અવાર નવાર પત્ની અને દીકરીઓ સાથે ઝગડો કરતા હતા. ગઇકાલે 28 નવેમ્બરના રોજ હંસાબેન મજૂરીએ ગયા હતા ત્યારે સાંજના સમયે લક્ષ્મણભાઈ અને તેમની 20 વર્ષીય દીકરી ભૂમિકા વચ્ચે બોલાચાલી થઇ હતી.
ઉશ્કેરાયેલી દીકરીએ ઇંટનો ઘા મારતા પિતા ઢળી પડ્યા
પિતા લક્ષ્મણભાઇ સાથેની બોલાચાલીએ ઉગ્ર ઝગડાનું રૂપ ધારણ કરી લીધું હતું અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઇ હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલી ભૂમિકાએ પિતાના માથે ઇંટ મારી દીધી હતી. ઇંટનો ઘા વાગતા જ લક્ષ્મણભાઇ ઘરના ફળિયામાં ઢળી પડ્યા હતા. ગંભીર ઇજાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારજનો ગભરાઇ ગયા હતા.એમ્બ્યુલન્સ મારફત મૃતદેહને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા. જ્યાં તેમણે દારૂ પીને પડી જવાથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે માથાના ભાગે ઇજાના નિશાન સહિતની સ્થિતિ જોઇ ડોક્ટરો અને પોલીસને શંકા ઉપજી હતી. જેથી ઉંડાણપુર્વક તપાસ કરતા માતા-પુત્રી ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
