Gondal APMC News: સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્ર માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આફ્રિકાના દેશ બુર્કિના ફાસોના વેપારીઓએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી સૌરાષ્ટ્રની કૃષિ જણસીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળવાની સાથે ખેડૂતોને આર્થિક રીતે વધુ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન આફ્રિકાના વેપારીઓએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવતી વિવિધ કૃષિ જણસીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ યાર્ડની કાર્યપદ્ધતિ, કૃષિ જણસીની ખરીદ-વેચાણ વ્યવસ્થા, ઓનલાઈન સિસ્ટમ તેમજ ખેડૂતો અને વેપારીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. યાર્ડમાં કૃષિ જણસીના વ્યવસ્થિત સંચાલન અને ખરીદ-વેચાણની પારદર્શક પદ્ધતિ અંગે પણ વેપારીઓએ રસ દાખવ્યો હતો.
આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના દેશ બુર્કિના ફાસોના વેપારીઓ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવી તે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આનંદની વાત છે. વિદેશી વેપારીઓએ યાર્ડની કાર્યપદ્ધતિ અને અહીં ઉપલબ્ધ વિવિધ કૃષિ જણસીઓ અંગે ઊંડો રસ દાખવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન આફ્રિકાના વેપારીઓએ યાર્ડની વ્યવસ્થા અને કૃષિ જણસીની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત બાદ વેપારીઓ દ્વારા આગામી સમયમાં વિપુલ પ્રમાણમાં વિવિધ કૃષિ જણસીઓની ખરીદી કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે.
જો આફ્રિકાના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પોતાની કૃષિ જણસીઓના વેચાણ માટે આંતરરાષ્ટ્રીય બજારનું નવું માધ્યમ ઊભું થશે. સ્થાનિક બજાર ઉપરાંત વિદેશી બજારમાં પણ કૃષિ જણસીઓનું વેચાણ થવાથી ખેડૂતોને સારા ભાવ મળવાની અને તેમની આવકમાં વધારો થવાની શક્યતા છે.
