Rajkot: ગોંડલથી અમદાવાદ જતું સીંગતેલ ભરેલું આઈસર રસ્તામાં ગાયબ! ડ્રાઈવર-ક્લીનર સામે પોલીસ ફરિયાદ

આયસર અમદાવાદના ત્રાગડ ટોલનાકા પરથી વહેલી સવારે થઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Mar 2026 02:29 PM (IST)Updated: Thu, 26 Mar 2026 02:29 PM (IST)
gondal-castor-oil-truck-missing-on-way-to-ahmedabad-police-complaint-register
HIGHLIGHTS
  • ગોંડલથી અમદાવાદ જતું આઇસર ગાયબ
  • કુલ 28.13 લાખની છેતરપિંડીનો આક્ષેપ
  • ડ્રાઈવર-ક્લીનર સામે પોલીસ ફરિયાદ થઈ

Rajkot Crime News: ગોંડલ અને જેતપુરના ટ્રાન્સપોર્ટ જગતમાં એક મોટો ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલથી અમદાવાદ મોકલવામાં આવેલ રૂ. 13.13 લાખનું સીંગતેલ અને 15 લાખની આઈસર ગાડી મળી કુલ 28.13 લાખનો મુદ્દામાલ લઈને બે ડ્રાઇવર ફરાર થઈ ગયા હોવાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ જતું હતું સીંગતેલ ભરેલું આઈસર

જેતપુરના નવાગઢમાં બળદેવની ધાર વિસ્તારમાં રહેતા અને "લાખણેચી કૃપા ટ્રાન્સપોર્ટ" ચલાવતા 21 વર્ષીય રાજેશભાઇ ઉર્ફે આયુષ જીતેશભાઈ સંખેસરીયાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત 23 માર્ચના રોજ તેમને દિલ્હીની ‘દર્શનલાલ બિહારીલાલ પ્રા.લી.’ કંપની તરફથી એક ઓર્ડર મળ્યો હતો.

આ ઓર્ડર મુજબ, ભોજપરા ગામ પાસે આવેલી "ધનલક્ષ્મી ઓઇલ મિલ" માંથી સીંગતેલના 476 ડબ્બા ભરીને અમદાવાદના સાંતેજ ખાતે પહોંચાડવાના હતા. આ કામ માટે આયુષભાઈએ રાજકોટના યશભાઈ મુંધવા પાસેથી આઈસર ગાડી (નંબર: GJ04-AW-9239) ભાડે મંગાવી હતી.

ડ્રાઈવર-ક્લીનર થયા આઉટ ઓફ સંપર્ક

ગત 24 માર્ચના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં રાજસ્થાનના ડ્રાઈવર પંકજ બન્ના અને ક્લીનર સુરેશભાઈ આઈસર ગાડીમાં સીંગતેલના ડબ્બા ભરીને અમદાવાદ જવા રવાના થયા હતા. જોકે, બીજા દિવસે સવારે જ્યારે ગાડીના માલિક યશભાઈએ ડ્રાઈવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા.

ચિંતામાં મૂકાયેલા ટ્રાન્સપોર્ટરે તપાસ કરતા જાણવા મળ્યું કે, અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ત્રાગડ ટોલનાકા પરથી આ ગાડી વહેલી સવારે 03:45 વાગ્યે પસાર થઈ હતી. પરંતુ, ત્યારબાદ ગાડી ક્યાં ગઈ તેની કોઈ જ ભાળ મળી નહોતી, અને ડ્રાઈવર માલ ખાલી કરવાના સ્થળે પણ પહોંચ્યા નહોતા.

ડ્રાઈવર-ક્લીનર સામે પોલીસ ફરિયાદ

ડ્રાઈવરોએ આર્થિક લાભ મેળવવા માટે આયોજનપૂર્વક કિંમત રૂ. 13,13,774 ના સીંગતેલના ડબ્બા અને રૂ. 15 લાખની આઈસર ગાડી મળી કુલ રૂ. 28,13,774 ની છેતરપિંડી આચરી હોવાની શંકા છે. આથી આયુષભાઈએ રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર પંકજ બન્ના અને સુરેશભાઈ વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે ફરાર ડ્રાઈવરોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીંગતેલ ભરેલું આખેઆખું આઈસર ગાયબ થઈ જવાની આ ઘટનાને પગલે સમગ્ર ટ્રાન્સપોર્ટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.