Rajkot News: લોધિકાની યુનિયન બેંકમાં નકલી દાગીના આપી 7.50 લાખની છેતરપિંડી, 2 શખ્સો સામે ફરિયાદ

લોધિકાની યુનિયન બેંકમાં સોનાના નકલી દાગીના ધાબડી દઈ રૂ.7.50 લાખની લોન લેનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Mar 2026 04:14 PM (IST)Updated: Wed, 25 Mar 2026 05:00 PM (IST)
rajkot-news-lodhika-cheated-of-7-50-lakhs-by-giving-fake-jewelry-in-union-bank

Rajkot: રાજકોટમાં એક છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, લોધિકાની યુનિયન બેંકની નગરપીપળીયા શાખામાં સોનાના નકલી દાગીના ધાબડી દઈ રૂ.7.50 લાખની લોન લેનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાગીના ઉપર ગોલ્ડ લોન મેળવવાના ઇરાદે ઠગાઈ કરવાના ઇરાદે ખોટા હોલમાર્કવાળા દાગીના સાચા તરીકે બતાવી લોન લીધી હોય, જેમાં વેલ્યુઅર સોનીની પણ સંડોવણી ખુલી હતી.

બ્રાન્ચ મેનેજરે નોંધાવી ફરિયાદ

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં સ્પીડવેલ હાઇટ બ્લોક બી.704માં રહેતા અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનાં નગરપીપળીયા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દીકભાઈ અવસરભાઈ ગઢીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં, નગરપીપળીયા ગામનાં દિલીપસિંહ હરીસિંહ પરમાર અને વેલ્યુઅર સોની નિલેશભાઈ લખમણભાઈ મારવિયાનું નામ આપ્યું છે.

સોનીએ ખોટા દાગીના સાચા ઠેરવ્યા

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી દિલીપસિંહ હરીસિંહ પરમારને ગોલ્ડ લોન લેવી હતી. માટે તેમણે બેંકના વેલ્યુઅર સોની નીલેશભાઇ લખમણભાઇ મારવીયાને ફોન દ્વારા જાણ કરી હતી. આરોપી વેલ્યુઅર સોની સાથે બેન્ક આવ્યો હતો. ગોલ્ડ લોન લેવાની હોવાથી આરોપીએ સોનાની 2 વીંટી, 2 ચેઈન, એક લક્કી કુલ 5 દાગીના બેન્કમાં આપ્યા હતા.જેનું કુલ વજન 91.89 થયું હતું.

બેન્કના વેલ્યુઅર સોની નિલેશભાઈ મારવિયાએ સોનાની પરખ કરી હતી. જે બાદ સોનાનાં દાગીના ઉપર હોલમાર્ક જોઈને તેના આધારે 4,50,000નું ધિરાણ આપી શકાય તેમ સોનીએ જણાવ્યું હતું. વેલ્યુઅર સોનીએ સોનાના દાગીના સાચા હોવાનો વેલ્યુએશન રીપોર્ટ આપ્યો હતો. બેન્કમાંથી તા.02/09/2025 ના રોજ આરોપી દિલીપસિંહે 4 લાખ 50 હજારની ગોલ્ડ લોન લીધી હતી.

ઓડીટ પ્રક્રિયામાં ભાંડો ફૂટ્યો

આરોપી દિલીપસિંહને ફરીથી સોનાની ચેઇન ઉપર ગોલ્ડ લોન લેવી હતી. માટે બેન્કના વેલ્યુઅર સોની નિલેશભાઈ મારવિયા વેલ્યુએશન કરાવ્યું હતું. તેણે સોનાની ચેઈન પર રુ. 3 લાખની લોન આપી શકાય તેવો અભિપ્રાય આપ્યો હતો. જે બાદ આરોપી દિલીપસિંહને લોન આપી દેવાઈ હતી. આરોપીએ સોનાના દાગીના ઉપર કુલ 7.50 લાખની લોન લીધી હતી. તો યુનિયન બેંકની નગરપીપળીયા શાખામાં તા.10/12/2025 ના રોજ ઓડીટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

2 આરોપી સામે ફરિયાદ

ઓડીટ પ્રક્રિયામાં સોનાનાં ધિરાણ માટે મૂકેલા દાગીનાની ખરાઈ,વજન અને અન્ય માપદંડો પર ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમ બેન્કમાં ઓડીટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરોપી દિલીપસિંહ દ્વારા અપાયેલા દાગીનાની ખરાઈ કરવામાં આવતા તમામ દાગીના ખોટા નીકળ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેથી દિલીપસિંહ અને વેલ્યુઅર સોનીને બેન્ક ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમની પૂછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જેથી 2 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.