Rajkot Fake IAS Officer: સર્કિટ હાઉસમાં મફત રૂમ મેળવવા માટે નકલી IAS અધિકારી બનેલા મહારાષ્ટ્રના એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. સરકારી સુવિધાઓ અને આર્થિક ફાયદો મેળવવા ભેંસો ખરીદવા માટે આવેલા એક શખ્સે પોતાના માટે રોકાણ અને રહેવાની મફત વ્યવસ્થા થાય તેમજ નાણાં આપવા ન પડે તે માટે પોતે સનદી અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો. જો કે અધિકારીઓની સતર્કતા અને ઝીણવટભરી પૂછપરછને કારણે સમગ્ર ભોપાળું છતું થઈ ગયું હતું અને આ ભેજાબાજ વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી પ્રશાંત કચવે ખરેખર ગુજરાતમાં ભેંસો ખરીદવાના હેતુથી આવ્યો હતો. હાલમાં તે UPSCની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. ખરીદી દરમિયાન કોઈ આર્થિક બોજ ન પડે અને સરકારી સુવિધાઓ મફતમાં મળી રહે તે માટે તેણે પોતે IAS અધિકારી હોવાનો બનાવટી સ્વાંગ રચ્યો હતો.
આ પણ વાંચો
શરૂઆતમાં આરોપીએ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના PSO સાથે સંપર્ક કરીને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપી હતી અને સર્કિટ હાઉસમાં રૂમ બુક કરાવી આપવા માટે જણાવ્યું હતું. PSOએ આ અંગે PI મકવાણાને જાણ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ કામ પોલીસનું નથી. જેથી PSOએ આરોપીને આ બાબતે જાણ કરી દીધી હતી.
જે બાદ આરોપી પ્રશાંતે સરકારી ગેસ્ટ હાઉસના મેનેજર જિગ્નેશ બાવડાનો સંપર્ક કર્યો અને પોતે IAS અધિકારી હોવાનું કહી રૂમ બુક કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેળ ન પડતાં તેણે પ્રાંત અધિકારી અતુલસિંઘનો નંબર મેળવીને તેમની પાસે રૂમ બુક કરાવવાની રજૂઆત કરી હતી.
નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ મંગળસિંહ ગોહિલ (ઉં.વ. 32) તે સમયે ફરજ પર હતા. પ્રાંત અધિકારી અતુલસિંઘે યોગીરાજસિંહને માહિતી આપી હતી કે 2023ની બેચના એક IAS અધિકારી કોઈ કામ અર્થે રાજકોટ આવ્યા છે અને તેમની સાથે તેમની ગર્ભવતી પત્ની પણ છે. તેમણે સરકારી ગેસ્ટ હાઉસમાં રૂૂમ બુક કરાવવાનું કહ્યું હોવાથી તેમને ફોન કરીને વિગતો મેળવવા જણાવ્યું હતું.
યોગીરાજસિંહે તે નંબર પર કોલ કરીને અધિકારીનું પૂરું નામ, હોદ્દો અને હાલનું પોસ્ટિંગ ક્યાં છે તેની વિગતો માંગી હતી. જોકે, સામે પક્ષે રહેલો શખ્સ કોઈ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ આપી શક્યો ન હતો, જેથી શંકા વધુ દ્રઢ બની હતી. યોગીરાજસિંહે તુરંત જ આ અંગે પ્રાંત અધિકારીને જાણ કરી અને તેને કોલ કરીને રૂબરૂ ઓફિસે બોલાવવામાં આવ્યો હતો.
કલેકટર ઓફિસે આવીને તેણે પોતાનું નામ રાહુલસિંહ જણાવ્યું હતું અને પોતે 2023ની બેચનો મહારાષ્ટ્ર કેડરનો IAS અધિકારી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અધિકારીઓએ કરેલી ઘનિષ્ઠ અને કડક પૂછપરછ આગળ તે ટકી શક્યો નહોતો અને આખરે તેણે પોતાનું સાચું નામ પ્રશાંત કચવે હોવાનું કબૂલી લીધું હતું. આ રીતે સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર આરોપી વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
